- IPL 2024માં યુવા ખેલાડીઓ પોતાના પ્રદર્શનથી લોકોનું ધ્યાન ખેંચ્યું
- ભારતીય ટીમના પસંદગીકારોએ પણ આ ખેલાડીઓ પર ધ્યાન આપ્યું
- IPL 2024ના 3 એવા ખેલાડી જે ટીમ ઈન્ડિયામાં સામેલ થઈ શકે છે
IPL 2024માં ઘણા યુવા ખેલાડીઓ પોતાના પ્રદર્શનથી લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. તેઓની IPLમાં શાનદાર પ્રદર્શનથી માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાઓ થવા લાગી છે. આ ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી ટીમ અને લાખો ચાહકોને એવી રીતે પ્રભાવિત કર્યા છે કે ભારતીય ટીમના પસંદગીકારોએ પણ આ ખેલાડીઓ પર ધ્યાન આપ્યું છે. IPL 2024ના 3 એવા ખેલાડી છે જે આ જ રીતે પ્રદર્શન કરતા રહેશે તો તેઓ જલ્દી જ ટીમ ઈન્ડિયામાં સામેલ થઈ જશે.
ફાસ્ટ બોલરને મળી શકે છે તક
લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતા ફાસ્ટ બોલર મયંક યાદવ શાનદાર ફોર્મમાં છે. આ ખેલાડીએ પોતાની સ્પીડથી બધાને ચોંકાવી દીધા છે. મયંક યાદવ ટૂંક સમયમાં ભારતીય ટીમ માટે પણ રમતો જોવા મળી શકે છે. એવી પણ શક્યતા છે કે તેને ICC T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં રમવાની તક મળી શકે છે. આ ખેલાડીએ IPL 2024ની અત્યાર સુધી રમાયેલી 2 મેચમાં 6 વિકેટ લીધી છે. ઉલ્લેખનિય છે કે આ 2 મેચમાં તેણે 155 પ્લસની ઝડપે 3 બોલ ફેંક્યા છે.
રિયાન પરાગ
રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો રિયાન પરાગ બીજા સ્થાને છે. પરાગે અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચોમાં ઘણા રન બનાવ્યા છે. પ્રથમ મેચમાં તેમણે 43 રનની ઇનિંગ રમી હતી, ત્યારબાદ બીજી મેચમાં પણ આ ખેલાડીએ શાનદાર 84 રન બનાવ્યા હતા. આ પછી ત્રીજી મેચમાં પણ તેના બેટથી 54 રન આવ્યા હતા. તેના પ્રદર્શન પરથી પરાગને ટૂંક સમયમાં ભારતીય ટીમમાં પણ રમવાની તક મળી શકે છે.
અભિષેક શર્માએ રમી તોફાની ઇનિંગ
આ લિસ્ટમાં ત્રીજો ખેલાડી અભિષેક શર્મા છે. અભિષેક શર્માએ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં 32 રનની ઇનિંગ રમી હતી. એ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 63 રનની શાનદાર ઈનિંગ રમી. આ મેચમાં અભિષેકે માત્ર 23 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટથી 3 ચોગ્ગા અને 7 છગ્ગા આવ્યા હતા. આ મેચમાં ખેલાડીએ માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે હૈદરાબાદના કોઈપણ ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલી ફાસ્ટેસ્ટ ફિફ્ટી છે. ગુજરાત સામેની ત્રીજી મેચમાં અભિષેકે 29 રનની ઇનિંગ રમી હતી. આશા છે કે આ ત્રણેય ખેલાડીઓને ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.