- MCAએ વર્લ્ડકપ 2011 વિજય સ્મારક સ્ટેન્ડનું અનાવરણ કર્યું
- MCAએ ટ્વિટર હેન્ડલપર નવી સીટોની તસવીર શેર કરી
- ફેન્સને અનુભવ આપવા માટે બે સીટ બે સીટોની ડિઝાઇન બદલી
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 2011ના વર્લ્ડકપની ફાઇનલમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વિજેતા સિક્સ જ્યાં પડી હતી તે બે સીટોને નવી ડિઝાઇન સાથે બદલવામાં આવી છે. ફેન્સને વિશેષ અનુભવ કરાવવા માટે બે સીટ લગાવવમાં આવી છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને 20 ઓક્ટોબરે સ્થળ પર વર્લ્ડકપ 2011 વિજય સ્મારક સ્ટેન્ડનું અનાવરણ કર્યું હતું.
MCAએ ટ્વિટર હેન્ડલપર સીટોની તસવીર શેર કરી
આજે વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડકપ 2023ની 20મી મેચ ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહી છે. મેચના એક દિવસ પહેલા એટલે કે, 20 ઓકટોબરે મુંબઈ ક્રિકેટ એસોસિએશને તેના ટ્વિટર હેન્ડલ પર નવી સીટોની તસવીર શેર કરી હતી.
સીટોની બંને બાજુ વર્લ્ડકપ જેવી બે ડમી ટ્રોફી
આ સીટો પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીના નામ પરથી ઓળખાશે. સ્ટેન્ડની પાછળ એક મોટું પોસ્ટર લગાવવામાં આવ્યું છે જેમાં આખી ટીમ 2011 વર્લ્ડકપની ટ્રોફી સાથે જોવા મળે છે. સાથે જ આ સીટોની બંને બાજુ વર્લ્ડકપ જેવી બે ડમી ટ્રોફી પણ લગાવવામાં આવી છે. વર્લ્ડકપની 13મી આવૃત્તિમાં આ સ્ટેડિયમમાં રમાયેલી મેચો માટે આ સીટોની અલગથી હરાજી કરવામાં આવી હતી.
ધોનીએ આ બોલર સામે વિનિંગ સિક્સ ફટકારી
મહેન્દ્ર સિંહ ધોનીએ 2011માં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું. શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં તેણે 79 બોલમાં અણનમ 91 રન બનાવ્યા જેના માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાની ટીમને છ વિકેટે હરાવીને 28 વર્ષ બાદ તેનું બીજું વનડે વર્લ્ડકપ ટાઇટલ જીત્યું હતું. ધોનીએ શ્રીલંકાના બોલર કુલશેખરા સામે વિનિંગ સિક્સર ફટકારી હતી.