- રોહિત શર્માએ સિક્સર ફટકારીને ઘણા રેકોર્ડ તોડ્યા
- ભારતીય ખેલાડીઓએ 250 સિક્સ સાથે આ વર્ષનો અંત કર્યો
- ભારતીય ટીમના નામે પણ સિક્સર મારવાનો રેકોર્ડ
સિક્સરનો રેકોર્ડ બનાવનાર ખેલાડીઓની જ્યારે ચર્ચા થાય છે ત્યારે ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડી રોહિત શર્માનું નામ સૌથી પહેલા આવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન હિટમેન છે. વર્લ્ડકપ દરમિયાન રોહિત શર્માએ સિક્સર ફટકારીને ઘણા રેકોર્ડ તોડ્યા હતા. પરંતુ હવે એક ખેલાડી સામે આવ્યો છે જેણે 2023માં રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો છે.
મોહમ્મદ વસીમ બન્યો સિક્સરનો બાદશાહ
મોહમ્મદ વસીમ કોઇ પ્રખ્યાત ટીમનો ખેલાડી નથી. વસીમ UAEનો વિસ્ફોટક બેટ્સમેન છે અને 2023માં સિક્સરનો બાદશાહ સાબિત થયો હતો. રોહિત શર્માએ 2023માં 35 મેચ રમી હતી જેમાં તેણે 39 ઇનિંગ્સમાં 80 સિક્સર ફટકારી હતી. પરંતુ મોહમ્મદ વસીમે એક વર્ષમાં સિક્સરની સદી ફટકારી હતી. તેણે 47 ઇનિંગ્સમાં 101 સિક્સર ફટકારી છે. અત્યાર સુધી વિશ્વનો કોઈ બેટ્સમેન એક કેલેન્ડર વર્ષમાં આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી. તેણે અફઘાનિસ્તાન સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. વસીમે અફઘાનિસ્તાન સામે 3 ગગનચુંબી સિક્સર ફટકાર્યા અને 101 સિક્સ સાથે વર્ષનો અંત કર્યો.
રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો
એક વર્ષમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માને નામે હતો. રોહિતે 2023ના વર્ષમાં 80 સિક્સ સાથે નંબર વન પર હતા, પરંતુ હવે તે બીજા નંબર પર આવી ગયા છે. મોહમ્મદ વસીમ 101 સિક્સર સાથે ટોપ પર છે. આ સાથે રોહિત શર્માએ વર્ષ 2018, 2019 અને 2022નો અંત ક્રમશ 74,78 અને 74 સિક્સર સાથે નંબર વન પર કર્યોં હતો. આ મામલામાં ક્રિસ ગેલ ઘણો નીચે નજર આવી રહ્યો છે. ગેલે 2012માં 26 મેચમાં 59 સિક્સ ફટકાર્યા હતા.
ભારતીય ટીમના નામે સૌથી વધુ સિક્સનો રેકોર્ડ
તમને જણાવી દઇએ કે વર્ષ 2023માં સૌથી વધારે સિક્સ ભારતીય ટીમે માર્યા હતા. ટી20માં ક્યારેક રિંકુ સિંહ તો વર્લ્ડકપમાં કેપ્ટન રોહિત શર્માએ વિરોધી ટીમને તારા બતાવ્યા હતા. 2023ના વર્ષમાં સૌથી વધુ સિક્સર લગાવવાનો રેકોર્ડ ભારતીય ટીમના નામે થયો છે. ભારતીય ખેલાડીઓએ 250 સિક્સ સાથે આ વર્ષનો અંત કર્યો છે.