- ભારતનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવ થયો ઈજાગ્રસ્ત
- જાંઘની ઈજાને કારણે કાઉન્ટી ચેમ્પિયનશિપમાંથી થયો બહાર
- મિડલસેક્સે ટ્વિટ કરી આપી જાણકારી
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને તાજેતરના સમયમાં કેટલીક ઈજાઓ થઈ છે. જેમાં હવે ફાસ્ટ બોલર ઉમેશ યાદવનું નામ પણ સામેલ થઈ ગયું છે. જમણા હાથનો ઝડપી બોલર ઉમેશ યાદવ જાંઘની ઈજાને કારણે કાઉન્ટી ચેમ્પિયનશિપની વર્તમાન સિઝનમાં વધુ ભાગ લઈ શકશે નહીં. ઉમેશ યાદવની ક્લબ મિડલસેક્સે શુક્રવારે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
ઈજા થતાં મેદાન છોડવાની ફરજ પડી
રોયલ લંડન કપમાં ગ્લુસેસ્ટરશાયર સામે મિડલસેક્સની છેલ્લી ઘરઆંગણાની મેચમાં રમતી વખતે ઉમેશ યાદવને ઈજા થતાં મેદાન છોડવાની ફરજ પડી હતી. હવે ઉમેશ યાદવ આવતા અઠવાડિયે લેસ્ટર પ્રવાસ કરતા પહેલા 17 સપ્ટેમ્બરે લંડન પરત ફરશે. પરંતુ ઈજાને કારણે, તે ચાર દિવસની રમતમાં જરૂરી વર્કલોડને હેન્ડલ કરવા માટે પૂરતો સ્વસ્થ થયો નથી, તેથી તે બાકીની મેચો માટે પરત ફરી શકશે નહીં.
મિડલસેક્સના ક્રિકેટ હેડનું ટ્વીટ
મિડલસેક્સે ટ્વિટ કર્યું, 'અમને એ જાહેરાત કરતાં દુઃખ થાય છે કે ઉમેશ યાદવ સિઝનની છેલ્લી બે મેચો માટે મિડલસેક્સ ટીમમાં વાપસી કરી શકશે નહીં કારણ કે તે હજુ પણ જાંઘની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. તમે જલ્દી સારા થાઓ.' ઉમેશ યાદવ ઈજાના કારણે ભારત પરત ફર્યો છે. BCCIની મેડિકલ ટીમ ઉમેશની ઈજા પર નજર રાખી રહી છે. મિડલસેક્સના મેન્સ પર્ફોર્મન્સ ક્રિકેટના હેડ એલન કોલમેને કહ્યું: "અમે સ્વાભાવિક રીતે નિરાશ છીએ કે ઉમેશ સિઝનની અંતિમ બે મેચો માટે ક્લબમાં પરત નહીં ફરે. જોકે, અમે તેની રિકવરી પ્રક્રિયા દરમિયાન BCCIની મેડિકલ ટીમના સંપર્કમાં છીએ. મિડલસેક્સ માટે તેણે જે કર્યું છે તેના માટે આભાર અને ચોક્કસપણે ભવિષ્યમાં ઉમેશ ફરીથી મિડલસેક્સમાં પાછો ફરે તેવી શક્યતાને નકારી શકાય નહીં.
ભારત માટે છેલ્લી મેચ જાન્યુઆરીમાં રમી હતી
ઉમેશ યાદવે ભારત માટે અત્યાર સુધીમાં 52 ટેસ્ટ, 75 વનડે અને સાત T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ મેચોમાં ઉમેશે 30.80ની એવરેજથી 158 વિકેટ લીધી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 88 રનમાં છ વિકેટ રહ્યું છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ આ વર્ષે જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. ઉમેશે વન-ડે ઈન્ટરનેશનલમાં 106 અને T20 ઈન્ટરનેશનલમાં નવ વિકેટ લીધી છે.

ટીમ ઈન્ડિયા ઈજાઓથી પરેશાન
ભારતીય ટીમને તાજેતરના સમયમાં ઈજાઓનો સામનો કરવો પડ્યો છે. રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલ જેવા જાણીતા બોલરો ઈજાના કારણે એશિયા કપ 2022માં ભાગ લઈ શક્યા નથી. જ્યારે સારી વાત એ છે કે બુમરાહ અને હર્ષલ ફિટ થઈને T20 વર્લ્ડકપ માટે ટીમમાં પરત ફર્યા છે, જ્યારે જાડેજા થોડા મહિનાઓ સુધી એક્શનથી દૂર રહેશે. આ સિવાય પ્રસિદ્ધ કૃષ્ણા અને વોશિંગ્ટન સુંદર પણ ઈજાઓનો સામનો કરી રહ્યા છે.