ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે વિરાટ કોહલી પર મોટું નિવેદન આપ્યું છે. પૂર્વ કાંગારૂ કેપ્ટનનું માનવું છે કે વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાં ક્રાંતિ લાવવાનું કામ કર્યું. તેણે કહ્યું કે હવે ભારતીય બેટ્સમેન મોટા સ્ટેજ પર ડરતા નથી અને વિદેશી પરિસ્થિતિઓમાં સારું ક્રિકેટ રમે છે. ભારતીય ટીમે વિદેશની ધરતી પર જે રીતે સફળતા હાંસલ કરી છે તેમાં વિરાટ કોહલીનો મોટો ફાળો છે. આ સિવાય રિકી પોન્ટિંગે પૂર્વ ભારતીય કોચ રાહુલ દ્રવિડના વખાણ કર્યા હતા. ભારત T20 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યા બાદ રાહુલ દ્રવિડે કોચ પદ છોડી દીધું હતું.
વિરાટ કોહલીએ કેપ્ટન્સીમાં કર્યો બદલાવ..!
રિકી પોન્ટિંગે કહ્યું કે વિરાટ કોહલીએ તેની કેપ્ટન્સીમાં ટેસ્ટ ક્રિકેટમાં બદલાવ કર્યો. આ પછી રાહુલ દ્રવિડે છેલ્લા ચાર વર્ષથી સફળતાનો સિલસિલો જારી રાખ્યો હતો. વિરાટ કોહલી જેવા ખેલાડીની ટીમ પર મોટી અસર પડે છે. પૂર્વ કાંગારૂ દિગ્ગજ ખેલાડીએ કહ્યું કે ભારતીય ટીમ વિદેશી ધરતી પર સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ સફળતામાં વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડનો મોટો ફાળો છે. તે જ સમયે, ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર યજમાન ટીમને હરાવીને સતત બીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે ટક્કર
તમને જણાવી દઈએ કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે. આ સિરીઝ 22 નવેમ્બરથી શરૂ થશે. બંને ટીમો 22 નવેમ્બરથી પર્થમાં પ્રથમ ટેસ્ટ માટે આમને-સામને થશે. આ પછી, સિરીઝની બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. જ્યારે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં રમાશે. બંને ટીમો 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં ચોથી ટેસ્ટ માટે સામસામે ટકરાશે. આ સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.