• ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો
  • કોહલી T20 અને ODI વર્લ્ડકપમાં 3000 રનનો આંકડો પાર કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન
  • કોહલી બાદ રોહિત શર્માનું નામ આ મામલે બીજા નંબર પર છે

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પોતાના કરિયરમાં એક પછી એક અનેક માઈલસ્ટોન હાંસલ કરી રહ્યો છે. શનિવારે બાંગ્લાદેશ સામે રમાયેલી T-20 વર્લ્ડકપ સુપર-8 મેચમાં ઓપનિંગ કરતી વખતે કોહલીએ 28 બોલમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારીને 37 રન બનાવ્યા હતા. આ ઇનિંગની મદદથી વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ

વિરાટ કોહલી T20 અને ODI વર્લ્ડકપમાં 3000 રનનો આંકડો પાર કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. કોહલીને આ ઐતિહાસિક આંકડાને સ્પર્શવા માટે 35 રનની જરૂર હતી. કોહલી બાદ રોહિત શર્માનું નામ આ મામલે બીજા નંબર પર છે. રોહિતે બંને વર્લ્ડકપમાં 2637 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન ડેવિડ વોર્નર છે. વોર્નરે 2502 રન બનાવ્યા છે. મહાન બેટ્સમેન સચિન તેંડુલકર આ યાદીમાં ચોથા સ્થાને છે. તેંડુલકરે 2278 રન બનાવ્યા હતા. શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારા 2193 રન સાથે પાંચમા સ્થાને છે.


આવો છે કોહલીનો રેકોર્ડ

વિરાટ કોહલી T20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. અત્યાર સુધી તેણે 32 મેચની 30 ઇનિંગ્સમાં 1207 રન બનાવ્યા છે. જેમાં 14 અડધી સદી સામેલ છે. વનડે વર્લ્ડકપમાં પણ વિરાટે પોતાના બેટથી ઘણા રન બનાવ્યા છે. કોહલીએ 37 મેચમાં 1795 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 12 અડધી સદી નોંધાયેલી છે. વિરાટ કોહલી ગયા વર્ષે ODI વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેણે 11 મેચમાં 95ની એવરેજથી 765 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 6 અડધી સદી સામેલ છે. કોહલીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો.


ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો વિરાટ કોહલી

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી આ પહેલા ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. તે અગાઉની મેચોમાં 1, 4 અને 24 રન બનાવીને આઉટ થયો હતો. તેના ખરાબ ફોર્મ બાદ સવાલો ઉઠવા લાગ્યા હતા કે શું વિરાટે ઓપનિંગ ન કરવી જોઈએ. તેને ત્રીજા નંબર પર ફિલ્ડિંગ કરવાની સતત ચર્ચા હતી. જોકે, કોચ વિક્રમ રાઠોડે આશા વ્યક્ત કરી હતી કે વિરાટ કોહલી જલ્દી જ તેનું ફોર્મ પાછું મેળવી લેશે.

  • Follow us on: