- PL 2024ની 25મી મેચ RCB અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ
- આ મેચની છેલ્લી ઓવરમાં નો બોલને લઈને ભારે હોબાળો થયો
- આકાશના બોલને અમ્પાયર્સ દ્વારા લીગલ ડિલિવરી ગણવામાં આવી
PL 2024ની 25મી મેચ RCB અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં RCBની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 197 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચની છેલ્લી ઓવરમાં નો બોલને લઈને ભારે હોબાળો થયો હતો.
આકાશ માધવાલની ઓવરમાં થયો વિવાદ
મુંબઈ ઈન્ડિયન્સ માટે છેલ્લી ઓવર બોલિંગ કરવાની જવાબદારી આકાશ મધવાલે લીધી હતી. આ ઓવરનો બીજો બોલ આકાશે ફુલ ટોસ ફેંક્યો હતો, જેના પર દિનેશ કાર્તિકે મોટો સ્ટ્રોક મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ તેના બેટને બરાબર આવ્યો નહોતો અને વિકેટકીપર પાસે ગયો હતો. આ પછી દિનેશ કાર્તિકે ઊંચાઈ નો બોલ માટે ડીઆરએસ લીધું. તે કહેવા માંગતો હતો કે બોલની ઊંચાઈ વધુ હતી. પરંતુ થર્ડ અમ્પાયરે કાર્તિકની તરફેણમાં નિર્ણય ન આપ્યો અને આકાશના બોલને લીગલ ડિલિવરી ગણવામાં આવી.
અમ્પાયર સાથે ભિડ્યો કોહલી
વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમમાંથી પેવેલિયન તરફ આવ્યો અને અમ્પાયર સાથે દલીલ કરી. તે અમ્પાયરને કંઈક કહેતો જોવા મળે છે. આ પછી અમ્પાયરે હાથના ઈશારાથી તેમને કંઈક સમજાવ્યું. અંતે કોહલીની વિનંતી બાદ પણ અમ્પાયર પોતાનો નિર્ણય બદલતો નથી. આ પછી ફેન્સે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.
આરસીબીએ બનાવ્યા 196 રન
પ્રથમ બેટિંગ કરતા RCBની ટીમે મુંબઈને 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો. RCB તરફથી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 50 રન અને દિનેશ કાર્તિકે 53 રનનું યોગદાન આપ્યું હતું. કાર્તિકે માત્ર 23 બોલમાં આ રન બનાવ્યા હતા. તે અંત સુધી અણનમ રહ્યો હતો. આ ખેલાડીઓના કારણે જ RCB ટીમ મોટા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે 5 વિકેટ લીધી હતી.