- RCBના બેટ્સમેન રજત પાટીદારે વાનખેડે સ્ટેડિયમમાં ધૂમ મચાવી
- મુંબઈ ઈન્ડિયન્સ સામે પાટીદારે વિસ્ફોટક ઈનિંગ રમી
- પાટીદારનો સિક્સ જોઈને કોહલી આશ્ચર્યચકિત થયો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના બેટ્સમેન રજત પાટીદારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ધૂમ મચાવી હતી. IPLની 25મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે પાટીદારે વિસ્ફોટક ઈનિંગ રમી અને માત્ર 25 બોલમાં ફિફ્ટી ફટકારી. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આમાંથી એક સિક્સ જોઈને વિરાટ કોહલી પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
પાટીદારે 10મી ઓવરમાં આ સિક્સ ફટકારી હતી. જ્યારે હાર્દિક પંડ્યા આ ઓવરનો પાંચમો બોલ ફેંકવા આવ્યો ત્યારે પાટીદારે તેને ઓફ સ્ટમ્પ પરથી ઉપાડ્યો અને વાઈડ લોંગ ઓન તરફ કારમી છગ્ગો ફટકાર્યો. પાટીદારનો આ સિક્સર એટલો શાનદાર હતો કે બોલ રોકેટની જેમ હવામાં ગયો અને પછી દર્શકોની વચ્ચે પડ્યો. વિરાટ કોહલીએ પણ આ સિક્સ જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.
ખરાબ ફોર્મ બાદ શાનદાર વાપસી
તમને જણાવી દઈએ કે આ પહેલા રજત પાટીદાર ખરાબ ફોર્મ સાથે ઝઝૂમી રહ્યો હતો. સીએસકે સામેની તેની પ્રથમ મેચમાં તે શૂન્ય પર આઉટ થયો હતો. આ પછી તેણે પંજાબ કિંગ્સ સામે 18 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ તેનું ખરાબ ફોર્મ કેકેઆર સામે ચાલુ રહ્યું અને તે માત્ર 3 રન બનાવીને આઉટ થઈ ગયો. આ પછી તેણે એલએસજી સામે 29 રન બનાવ્યા. જ્યારે તેને રાજસ્થાન રોયલ્સ સામે બેટિંગ કરવાની તક મળી ન હતી. હવે તેણે ફરી એકવાર શાનદાર વાપસી કરી છે અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોને ચોંકાવી દીધા છે.
ટીમ ઈન્ડિયા માટે રમી ચૂક્યો છે પાટીદાર
ઈન્દોરમાં જન્મેલા 30 વર્ષીય બેટ્સમેન રજત પાટીદાર પ્રતિભાશાળી ખેલાડીઓમાંથી એક છે. તેની પ્રતિભાને જોઈને તેને ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ આપવામાં આવ્યો, પરંતુ તે અસરકારક સાબિત થયો નહીં. પાટીદારે અત્યાર સુધી 3 ટેસ્ટ મેચમાં માત્ર 63 રન બનાવ્યા છે. જ્યારે ગયા વર્ષે ડિસેમ્બરમાં તેણે દક્ષિણ આફ્રિકા સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. જેમાં તે 22 રન બનાવીને આઉટ થયો હતો. પાટીદારે હજુ સુધી ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું નથી. હવે પછીની મેચોમાં તેનું બેટ શું અજાયબી કરે છે તે જોવું રહ્યું.