- IPL 2024માં પ્લેઓફની રેસ પણ ખૂબ જ રોમાંચક બની
- પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ટોપ પર છે
- દિલ્હી અને RCB માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ બન્યો
IPL 2024નો રંગ હવે જામી રહ્યો છે. જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધી રહી છે તેમ તેમ પ્લેઓફની રેસ પણ ખૂબ જ રોમાંચક બની રહી છે. IPL 2024માં 24મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાનનો વિજય રથ અટકી ગયો હતો. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાનને 3 વિકેટે હરાવ્યું હતું.
આ સિઝનમાં રાજસ્થાનની પ્રથમ હાર
આ સિઝનમાં રાજસ્થાનની આ પ્રથમ હાર છે. જ્યારે ગુજરાતનો ત્રીજો વિજય. જો કે આ હાર બાદ પણ પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનને બહુ નુકસાન થયું નથી, સંજુ સેમસનની ટીમ હજુ પણ નંબર વન પર છે પરંતુ ટીમના નેટ રન રેટ પર ચોક્કસ અસર જોવા મળી છે.
આવા છે પોઈન્ટ ટેબલના હાલ
સિઝનની પ્રથમ હાર મેળવ્યા બાદ પણ રાજસ્થાન રોયલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. રાજસ્થાને 5માંથી 4 મેચ જીતી છે જ્યારે એક મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સ હજુ પણ બીજા સ્થાને યથાવત છે.

આ ટીમો પર પ્લેઓફમાંથી બહાર થવાનું જોખમ
IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. અત્યાર સુધી આ ત્રણેય ટીમો માત્ર એક જ મેચ જીતી શકી છે. RCBએ અત્યાર સુધી 5 મેચ રમી છે જેમાંથી 4માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સે પણ 5 મેચ રમી છે, દિલ્હીને પણ 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
આ ટીમો માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ
જો મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો હાર્દિક પંડ્યાની ટીમે 4 મેચ રમી છે જેમાંથી 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ ત્રણેય ટીમો માટે અહીં દરેક મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જો દિલ્હી અને RCBને બે મેચમાં વધુ બે હાર મળે છે તો તેમના માટે પ્લેઓફનો રસ્તો ઘણો મુશ્કેલ બની શકે છે.