- T20 બ્લાસ્ટ લીગમાં માર્નસ લાબુશેને પક્ડયો અદભૂત કેચ
- ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ X પર શાનદાર કેચનો વીડિયો શેર કર્યો
- લાબુશેનના આ કેચની હવે ક્રિકેટ જગતમાં ઘણી પ્રશંસા થઈ રહી છે
એક તરફ T20 વર્લ્ડકપ 2024 તેના સુપર-8 રાઉન્ડમાં પહોંચી ગયો છે, તો બીજી તરફ ઈંગ્લેન્ડમાં T20 બ્લાસ્ટ લીગનો ઉત્સાહ ચરમસીમા પર છે. જ્યારે દુનિયાભરના ચાહકોનું ધ્યાન T20 વર્લ્ડકપ પર કેન્દ્રિત હતું ત્યારે ઈંગ્લેન્ડના આ T20 બ્લાસ્ટમાં એક એવું પરાક્રમ જોવા મળ્યું જેણે બધાને ચોંકાવી દીધા છે.
વાસ્તવમાં, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેને ગ્લેમોર્ગન અને ગ્લોસ્ટરશાયર વચ્ચે રમાયેલી મેચમાં એવો આશ્ચર્યજનક કેચ લીધો કે લોકો હવે તેને ક્રિકેટના ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ કેચ કહી રહ્યા છે. લાબુશેનનો આ સુપરમેન કેચનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
માર્નસ લાબુશેને પક્ડયો અદભૂત કેચ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ X પર આ શાનદાર કેચનો વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે માર્નસ લાબુશેન કેચ પકડવા માટે પૂરપાટ ઝડપે દોડે છે અને પછી છેલ્લી ક્ષણોમાં તે સુપરમેનની જેમ હવામાં કૂદી પડે છે અને બોલને એક હાથે પકડી લે છે. એક ક્ષણ માટે કોઈ તેના પર વિશ્વાસ કરી શકતું નથી અને પછી ગ્લેમોર્ગનના ખેલાડીઓ ઝડપથી ઉજવણી કરવા માટે લાબુશેન તરફ દોડે છે.
લાબુશેનનો આ આશ્ચર્યજનક કેચ ગ્લુસેસ્ટરની ઈનિંગની 10મી ઓવરમાં જ્યારે ઈંગ્લેન્ડનો સ્પિનર મેસન ક્રેન બોલિંગ કરવા આવ્યો ત્યારે જોવા મળ્યો હતો. આ ઓવરના પહેલા જ બોલ પર, બેન ચાર્લ્સવર્થે એક જોરદાર શોટ માર્યો, જેને પકડવા માટે લોંગ ઓન પર ઉભેલા માર્નસ લાબુશેન કેચ પકડવા માટે પૂરપાટ ઝડપે દોડે છે અને પછી છેલ્લી ક્ષણોમાં તે સુપરમેનની જેમ હવામાં કૂદીને કેચ પકડે છે. હવે ઘણા ચાહકો આ કેચને ક્રિકેટના સર્વશ્રેષ્ઠ કેચનું બિરુદ આપી રહ્યા છે.
ક્રિકેટ જગતમાં થઈ પ્રશંસા
લાબુશેને જે રીતે આ કેચ લીધો તેના કારણે તેને ગંભીર ઈજા થવાનો ડર હતો, પરંતુ તેની પરવા કર્યા વિના તેણે હવામાં ઉછળીને કેચ પકડ્યો હતો. લાબુશેનના આ કેચની હવે ક્રિકેટ જગતમાં ઘણી પ્રશંસા થઈ રહી છે. આ કેચનો વીડિયો માત્ર ચાહકો જ નહીં પરંતુ ક્રિકેટ એક્સપર્ટ પણ શેર કરી રહ્યા છે.