- સચિન તેંડુલકર અવંતીપોરાના ચેરસુ સ્થિત સ્પોર્ટ્સ ફેક્ટરીમાં પહોંચ્યા
- સચિન તેંડુલકરે બેટની ક્વોલિટી ચેક કરી અને તેના વિશે વાત કરી હતી
- સચિને ક્રિકેટની શરૂઆત કશ્મીર વિલોના બેટથી કરી હતી
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર હાલમાં તેમની પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે કાશ્મીરમાં રજાઓ ગાળી રહ્યા છે. આ દરમિયાન તેઓ અચાનક કાશ્મીરમાં ક્રિકેટ બેટ બનાવવાની ફેક્ટરીમાં પહોંચી ગયા હતા. તેમણે અહીં બનતા કશ્મીરી વિલો બેટ જોયા હતા.
તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકર પુલવામા જિલ્લાના અવંતીપોરાના ચેરસુ સ્થિત સ્પોર્ટ્સ ફેક્ટરીમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ફેક્ટરીના માલિક સાથે ક્રિકેટ બેટના ઉત્પાદન અંગે થોડી વાતચીત કરી અને ક્રિકેટ ચાહકો સાથે સમય વિતાવ્યો હતો.
ક્રિકેટ લવર્સને બેટ વિશે આપી ટિપ્સ
સચિન તેંડુલકરે બેટની ક્વોલિટી ચેક કરી અને તેના વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે અમારા સમયે 5 ગ્રેન સુધીના જ બેટ મળતા હતા. હાલના સમયે બેટની ક્વોલિટીમાં ઘણો સુધારો થયો છે. અત્યારે 12 ગ્રેન સુધીના બેટ મળે છે. સચિને જણાવ્યું કે બેટના ગ્રેન વધારે એટલી તેટલું એ વધારે ટકાઉ અને સારા હોય છે. યુવા ખેલાડીઓએ હંમેશા વધારે ગ્રેનવાળા બેટ લેવા જોઇએ.
મોટી બહેને આપ્યું હતુ પ્રથમ બેટ
ફેક્ટરીની વિઝીટ સમયે સચિને જણાવ્યું હતુ કે તેમનું પ્રથમ બેટ કશ્મીરી વિલોનું હતુ. આ બેટ તેમને તેમની મોટી બહેને લાવી આપ્યું હતુ. જ્યારે તેની બહેન સવિતા કાશ્મીરની મુલાકાતે આવી ત્યારે તેણે અહીંથી બેટ ખરીદ્યું હતું. ઘરે ગયા પછી તેણે તે બેટ સચિનને આપ્યું. એટલે કે સચિને ક્રિકેટની શરૂઆત કશ્મીર વિલોના બેટથી કરી હતી.