રેડ કાર્ડ શબ્દ સામાન્ય રીતે ફૂટબોલની રમતમાં વપરાય છે. અહીં મેચ રેફરી ગંભીર ગુના માટે ખેલાડીઓને શિસ્ત જાળવવા માટે તેનો ઉપયોગ કરે છે. જો કોઈ ખેલાડી વારંવાર ભૂલ કરે છે, તો રેફરી તેને લાલ કાર્ડ બતાવે છે, જે પછી તેને તરત જ મેદાનની બહાર કરી દેવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફૂટબોલની જેમ ક્રિકેટમાં પણ રેડ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઘટના 2005માં બની હતી, જ્યારે ન્યૂઝીલેન્ડના અમ્પાયર બિલી બોડેને ઓસ્ટ્રેલિયાના મહાન બોલર ગ્લેન મેકગ્રાને રેડ કાર્ડ બતાવ્યું હતું.
મેકગ્રાને બતાવ્યું રેડ કાર્ડ
આ મેચ 17 ફેબ્રુઆરી 2005ના રોજ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી અને તે ક્રિકેટ ઈતિહાસની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચ હતી. આ મેચમાં મેકગ્રાએ ટ્રેવર ચેપલની જેમ અંડરઆર્મ બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો કે તરત જ બિલી બોડેને મજાકના સ્વરમાં તેને ખિસ્સામાંથી રેડ કાર્ડ કાઢીને મેકગ્રાને બતાવ્યું. આ મેચ એક રીતે T20 ફોર્મેટનું પ્રમોશન હતું, જ્યાં ખેલાડીઓ અને ચાહકોએ ખૂબ જ એન્જોય કર્યું.
પોન્ટિંગે 98 રનની ઇનિંગ રમી હતી
મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું અને સ્કોરબોર્ડ પર 214 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. કાંગારૂ ટીમને આ સ્કોર સુધી પહોંચાડવામાં રિકી પોન્ટિંગે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે 55 બોલમાં 98 રનની ઇનિંગ રમી હતી. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડનો દાવ 170 રનમાં સમેટાઈ ગયો હતો. ટીમ માટે સ્કોટ સ્ટાઈરિસે 39 બોલમાં 66 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તેની ઈનિંગ ટીમને જીત અપાવી શકી ન હતી.
ટ્રેવર ચેપલે અંડરઆર્મ બોલિંગ કરી હતી
ન્યુઝીલેન્ડની ઇનિંગ્સની છેલ્લી ઓવર મેકગ્રાએ ફેંકી હતી. જ્યારે મેકગ્રા છેલ્લો બોલ નાખવાના હતા ત્યારે કિવીઓને જીતવા માટે 45 રનની જરૂર હતી. આ સ્થિતિમાં ન્યુઝીલેન્ડનો વિજય અસંભવ હતો. આ જ કારણ છે કે કાંગારૂ ફાસ્ટ બોલરે બોલિંગ ક્રિઝ પાસે ઉભા રહીને 1980-81ની પ્રખ્યાત ઘટનાનું પુનરાવર્તન કર્યું. ટ્રેવર ચેપલે તેના કેપ્ટન અને મોટા ભાઈ ગ્રેગ ચેપલની વિનંતી પર ન્યૂઝીલેન્ડ સામે અંડરઆર્મ બોલિંગ કરી હતી. આ દરમિયાન કિવી ટીમને જીતવા માટે એક બોલ પર છ રનની જરૂર હતી.













