દુલીપ ટ્રોફી 2024 ભારતમાં આવતીકાલે એટલે કે 5 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ સિરીઝ પહેલા આ ટૂર્નામેન્ટ ભારતીય ખેલાડીઓ માટે ખૂબ જ ખાસ છે. દુલીપ ટ્રોફીમાં સારું પ્રદર્શન કરીને ખેલાડીઓ આગામી ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઈચ્છે છે. ટુર્નામેન્ટની તમામ મેચો બે શહેરોમાં રમાશે. જેમાં બેંગલુરુ અને અનંતપુરનો સમાવેશ થાય છે. આ ટૂર્નામેન્ટમાં શુભમન ગિલ અને રૂતુરાજ ગાયકવાડ કેપ્ટનશિપ કરતા જોવા મળશે.
ટુર્નામેન્ટમાં 4 ટીમો રમશે
આ વખતે દુલીપ ટ્રોફીની 61મી સીઝન રમાઈ રહી છે, જેમાં માત્ર 4 ટીમો જ ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં અગાઉ 6 ટીમો ભાગ લેતી હતી. ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટ સીઝન 2024-25ની શરૂઆત પણ દુલીપ ટ્રોફીથી થશે. ઈન્ડિયા એ, ઈન્ડિયા બી, ઈન્ડિયા સી અને ઈન્ડિયા ડી, આ ચાર ટીમોની પસંદગી આ વખતે નેશનલ સિલેક્શન કમિટી દ્વારા કરવામાં આવી છે. બાંગ્લાદેશ સિરીઝ માટે આ તમામ ટીમોમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. દુલીપ ટ્રોફીની પ્રથમ બે મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે કારણ કે ટીમ ઈન્ડિયાની પસંદગી આ બે મેચોના આધારે જ થશે.
તમે અહીં મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો
અત્યાર સુધી દુલીપ ટ્રોફીનું ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ ભાગ્યે જ પ્રેક્ષકોએ જોયું હતું. પરંતુ આ વખતે દુલીપ ટ્રોફીનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ પર થવા જઈ રહ્યું છે. આ સિવાય તેનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ 18 પર જોવા મળશે. દુલીપ ટ્રોફીની તમામ મેચો સવારે 9 વાગ્યે રમાશે. પ્રથમ મેચ ભારત A અને ભારત B વચ્ચે 5 થી 8 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. આ ટુર્નામેન્ટ 22 સપ્ટેમ્બર સુધી રમાશે.













