- પાકિસ્તાન સામે અમેરિકાની ઐતિહાસિક જીત
- યુએસએ પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું હતું
- આ મેચનો હીરો સૌરભ નેત્રાવલકર હતો
પાકિસ્તાને 6 જૂને વર્લ્ડકપ 2024માં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. પ્રથમ મેચમાં પાકિસ્તાનનો મુકાબલો યજમાન યુએસએ સામે હતો. તેની પહેલી જ મેચમાં બાબર આઝમની પાકિસ્તાનને યુએસએ જેવી નબળી ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં, પરિણામ સુપર ઓવરમાંથી લેવામાં આવ્યું હતું અને યુએસએ સુપર ઓવરમાં જીત્યું હતું. યુએસએ તરફથી સુપર ઓવરમાં સૌરભ નેત્રાવલકરે શાનદાર બોલિંગ કરી હતી.
કોણ છે સૌરભ નેત્રાવલકર?
ભારતીય મૂળના સૌરભ નેત્રાવલકરનું નામ હવે ક્રિકેટ પ્રેમીઓના હોઠ પર છે. જેણે પાકિસ્તાન સામે શાનદાર બોલિંગ કરી અને યુએસએને જીત અપાવી. સૌરભનો જન્મ 16 ઓક્ટોબર 1991ના રોજ મુંબઈમાં થયો હતો. સૌરભ 2010માં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. તે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા માટે ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમ્યો હતો.
કેએલ રાહુલ, મયંક અગ્રવાલ અને સંદીપ શર્મા જેવા ખેલાડીઓ સૌરભના ભૂતપૂર્વ સાથી છે. સૌરભ વર્ષ 2015માં યુએસએ ગયો હતો. જે બાદ તેણે વર્ષ 2019માં યુએસએ માટે ડેબ્યૂ કર્યું હતું. આટલું જ નહીં સૌરભ યુએસએ ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. 2010ના અંડર-19 વર્લ્ડ કપમાં સૌરભ ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.
પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન
પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં સૌરભે શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. યુએસએ તરફથી બોલિંગ કરતી વખતે સૌરભે 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જે બાદ સૌરભે સુપર ઓવરમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનને હરાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. સુપર ઓવરમાં યુએસએ પાકિસ્તાનને જીતવા માટે 19 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં પાકિસ્તાની ટીમ માત્ર 13 રન બનાવી શકી હતી.