- ICCએ બેટ્સમેનોની ODI રેન્કિંગ જાહેર કરી હતી
- બાબર આઝમનું તાજેતરનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી
- પૂર્વ ક્રિકેટર બસિત અલીએ બાબરને નંબર-1 પર જોઇ સવાલો ઉઠાવ્યા
તાજેતરમાં ICCએ બેટ્સમેનોની નવીનતમ ODI રેન્કિંગ જાહેર કરી હતી. જેમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ હજુ પણ નંબર-1 પર યથાવત છે. હવે આ વાત પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરને ખુશ ન કરી શકી. જે બાદ પૂર્વ ક્રિકેટરે મોટો સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે શા માટે બાબર આઝમ રેન્કિંગમાં નંબર-1 છે? જેને લઈને પૂર્વ ક્રિકેટરે ICCની ટીકા પણ કરી છે.
ICCને બાબરનું દુશ્મન ગણાવ્યું
બાબર આઝમનું તાજેતરનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી પરંતુ આ ખેલાડી હજુ પણ વનડે બેટ્સમેનોની રેન્કિંગમાં પ્રથમ સ્થાને યથાવત છે. આ અંગે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બસિત અલીએ પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું, “મને લાગે છે કે ICC ઈચ્છે છે કે બાબર સારૂ પ્રદર્શન ન કરે. બાબર આઝમ વનડેમાં નંબર વન બેટ્સમેન બનીને ખુશ થશે. આ રેન્કિંગ કોણ આપે છે? ICCના લોકો બાબર આઝમના દુશ્મન છે. જો તમે બાબરને પૂછો કે વર્તમાન નંબર વન કોણ છે, તો તે ટ્રેવિસ હેડ અથવા વિરાટ કોહલીને પસંદ કરશે. "તે એમ પણ નહીં કહે કે તે નંબર વન છે."
ટોપ-5માં 3 ભારતીય બેટ્સમેન સામેલ
તાજેતરની ICC બેટ્સમેન ODI રેન્કિંગમાં, પાકિસ્તાનનો બાબર આઝમ 824 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને યથાવત છે. આ સિવાય વનડે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. રોહિત હવે 765 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે.
શુભમન ગિલ 763 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને અને વિરાટ કોહલી 746 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર યથાવત છે. રોહિત શર્માએ શ્રીલંકા સામે રમાયેલી વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિરીઝમાં રોહિતે 2 અડધી સદી ફટકારીને સૌથી વધુ રન પણ બનાવ્યા હતા. જેના કારણે તેને ICC રેન્કિંગમાં ફાયદો થયો છે.