• ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 ટેસ્ટ મેચની સિરીઝ
  • દિગ્ગજ બોલર જેમ્સ એન્ડરસનની કારકિર્દીની છેલ્લી મેચ
  • જેમ્સ એન્ડરસને અત્યાર સુધીમાં કુલ 187 ટેસ્ટ મેચ રમી છે

ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થઈ રહી છે. 10મીથી 30મી જુલાઈની વચ્ચે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 ટેસ્ટ મેચ રમાશે. આ સીરીઝની પ્રથમ મેચ 10 થી 14 જુલાઈ દરમિયાન રમાશે. આ મેચ ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલર જેમ્સ એન્ડરસનની કારકિર્દીની છેલ્લી મેચ હશે. પોતાની છેલ્લી મેચમાં જેમ્સ એન્ડરસન ઈતિહાસ રચી શકે છે અને મોટી સિદ્ધિ પોતાના નામે કરી શકે છે.

શેન વોર્નના રેકોર્ડને પાછળ છોડી દેશે

જેમ્સ એન્ડરસને અત્યાર સુધીમાં કુલ 187 ટેસ્ટ મેચ રમી છે અને 700 વિકેટ લીધી છે. એન્ડરસન આવતીકાલે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. આ મેચમાં તેની નજર શેન વોર્નના રેકોર્ડ પર રહેશે, જેને તે તોડી શકે છે. શેન વોર્ને તેની કારકિર્દીમાં કુલ 145 ટેસ્ટ મેચ રમી છે અને તેમાં તેણે 708 વિકેટ લીધી છે. જો એન્ડરસન આ મેચમાં 9 વિકેટ લે છે તો તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો વિશ્વનો બીજો બોલર બની જશે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી શ્રીલંકાના બોલર મુથૈયા મુરલીધરન છે. મુથૈયા મુરલીધરને તેની કારકિર્દીમાં કુલ 133 ટેસ્ટ મેચ રમી છે. આમાં તેણે કુલ 800 વિકેટ લીધી છે.

વિશ્વનો પ્રથમ ઝડપી બોલર

જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ઝડપી બોલર છે. શ્રીલંકાના મુથૈયા મુરલીધરન અને ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન, જેમણે તેમના કરતા વધુ વિકેટ લીધી છે, તે બંને સ્પિન બોલર છે. જેમ્સ એન્ડરસન પછી સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર ઈંગ્લેન્ડનો સ્ટુઅર્ટ બ્રોડ છે. તેણે કુલ 604 વિકેટ લીધી છે અને સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે પાંચમા સ્થાને છે. આ યાદીમાં દિગ્ગજ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલેનું નામ ચોથા સ્થાન પર છે. અનિલ કુંબલેએ પોતાની કારકિર્દીમાં કુલ 132 ટેસ્ટ મેચ રમી છે અને તેમાં તેણે 619 વિકેટ ઝડપી છે.

આ મામલે સચિન પાછળ

જેમ્સ એન્ડરસને તેની કારકિર્દીમાં અત્યાર સુધી 187 ટેસ્ટ મેચ રમી છે. તે સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો બીજો ખેલાડી છે. આ યાદીમાં ભારતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે. સચિને 200 ટેસ્ટ મેચ રમી છે.

  • Follow us on: