- વનડે ક્રિકેટની લોકપ્રિયતામાં ઘટાડો
- ઘટતી લોકપ્રિયતાને લઈ ICC પણ ચિંતિત
- ICC અમદાવાદમાં કરશે રિવ્યૂ બેઠક
વર્લ્ડકપ 2023માં દર્શકોની ઓછી સંખ્યાના કારણે ડીઝ્ની પ્લસ હોટસ્ટારના સત્તાવાર પ્રસારણકર્તા ખૂબ ચિંતિત છે. આ વર્લ્ડકપમાં ડિઝની પ્લસ હોટસ્ટાર અને સ્ટેડિયમ બંને પર દર્શકોની સંખ્યા ઘણી ઓછી છે. જે પ્રસારણકર્તા અને ક્રિકેટ વર્લ્ડકપના આયોજક અને ICC માટે ચિંતાજનક છે. ICCએ હવે આ મુદ્દે ચર્ચા બેઠક બોલાવી છે.
18 નવેમ્બરે સમીક્ષા બેઠક થશે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડકપ મેચમાં જ્યારે વિરાટ કોહલી પોતાની 49મી વનડે સદી પૂર્ણ કરીને સચિન તેંડુલકરની બરાબરી કરવા જઈ રહ્યો હતો ત્યારે 4.3 કરોડ લોકો ડીઝ્ની પ્લસ હોટસ્ટાર પર મેચ જોઈ રહ્યા હતા, જે એક રેકોર્ડ હતો. એવું લાગતું હતું કે, આ વર્લ્ડકપમાં 2015 અને 2019ના વર્લ્ડકપ કરતાં વધુ સારી વ્યુઅરશિપ હશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. વનડે વર્લ્ડકપમાં લોકોના ઘટતા આકર્ષણને ધ્યાનમાં રાખીને ICCએ નવેમ્બરમાં સમીક્ષા બેઠક યોજવાની જાહેરાત કરી છે. આ સમીક્ષા બેઠક 18 નવેમ્બરે યોજાશે.
વનડે ફોર્મેટની સમીક્ષા કરાશે
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપની ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ રમાશે અને તે મેચના એક દિવસ પહેલા ICC અમદાવાદમાં જ રિવ્યૂ બેઠક કરશે. મળતી માહિતી મુજબ, ICC દ્વારા આયોજિત આ ફોર્મેટની રિવ્યૂ બેઠકમાં ઘણા પૂર્ણ સભ્યો પણ ચિંતા વ્યક્ત કરશે. રિપોર્ટ અનુસાર, આ બેઠકમાં એવા કારણો પર ચર્ચા કરવામાં આવશે. જેના કારણે વનડે ક્રિકેટની લોકપ્રિયતા પર અસર પડી છે.
T-20 ફોર્મેટની વધતી જતી લોકપ્રિયતા મુખ્ય કારણ
તમામ કારણોમાંથી એક મુખ્ય કારણ T-20 ફોર્મેટની વધતી જતી લોકપ્રિયતા છે. T20 ફોર્મેટની ક્રિકેટ રમત લગભગ 3 કલાકમાં સમાપ્ત થાય છે. આ કારણે દર્શકો આ ફોર્મેટમાં થઈ રહેલી આખી મેચ જોઈ શકે છે, પરંતુ વનડે ક્રિકેટની એક મેચ સમાપ્ત થવામાં લગભગ 9 કલાકનો સમય લાગે છે અને દર્શકો આખી મેચ જોવા માટે 9 કલાકનો સમય ફાળવી શકતા નથી. સમગ્ર વિશ્વમાં વનડે ક્રિકેટની લોકપ્રિયતા ઘટી રહી છે તેનું આ સૌથી મોટું કારણ છે.