- મહિલા એશિયા કપ 19 જુલાઈથી શરૂ થઇ ગયો છે
- બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
- મેચ માટે ભાઇના લગ્નમાં ના ગઇ રેણુકા સિંહે
મહિલા એશિયા કપ 19 જુલાઈથી શરૂ થઇ ગયો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં નેપાળની ટીમે UAEને 6 વિકેટે હરાવ્યું હતું અને બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચ રમવા માટે એક સ્ટાર બોલરે પોતાના ભાઈના લગ્ન છોડી દીધા હતા. આ ક્રિકેટરનું કહેવું છે કે જો તેણે દેશ માટે મેચ રમવી ન હોત તો તે કોઈપણ કિંમતે તેના ભાઈના લગ્નને ચૂકી ન હોત.
કોણ છે આ ખેલાડી?
જે સ્ટાર ખેલાડીની વાત કરી રહ્યા છે બીજું કોઇ નહીં પણ ભારતીય ટીમની બોલર રેણુકા સિંહ છે. રેણુકા સિંહના ભાઈના લગ્ન 19મી જુલાઈની સાંજે હિમાચલ પ્રદેશમાં થયા હતા, પરંતુ રેણુકા સિંહ લગ્નમાં સામેલ થઈ શકી ન હતી. તે પાકિસ્તાન સામે મેચ રમી રહી હતી. જો કે મેચ પુરી થયા બાદ રેણુકાએ વિડીયો કોલ પર લગ્નની વિધિ જોઈ હતી.
“પહેલા દેશ પછી લગ્ન”
એક મીડિયા ચેનલે રેણુકા સિંહની માતા સુનીતા ઠાકુર સાથે વાત કરી, જેમાં માતા સુનીતા ઠાકુરે કહ્યું કે રેણુકા તેના ભાઈના લગ્ન માટે ઘરે આવવાની હતી, પરંતુ તેણે કહ્યું કે મેચને કારણે તે લગ્નમાં સામેલ થઈ શકશે નહીં. સિરમૌર જિલ્લાના પછાડના નારંગમાં પુત્રની જાન નીકળી હતી. રેણુકા આ લગ્નમાં હાજર રહી શકી ન હતી અને વિડીયો કોલ દ્વારા લગ્ન સમારોહ નિહાળ્યો હતો. સુનીતા ઠાકુરે કહ્યું કે તે તાજેતરમાં રેણુકા સાથે વાત કરી શકી નથી. થોડા દિવસ પહેલા રેણુકાએ ફોન કરીને જાણ કરી હતી કે લગ્નના દિવસે મેચ છે. મારા માટે પહેલા દેશ અને પછી લગ્ન છે. હું લગ્નમાં હાજર રહી શકીશ નહીં.
મેચમાં શાનદાર પ્રદર્શન
રેણુકા સિંહે એશિયા કપની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં રેણુકા સિંહે શાનદાર બોલિંગ કરી હતી અને 4 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી. રેણુકાએ પાકિસ્તાની બેટ્સમેન અમીનને 25ના સ્કોર પર અને ઈરમ જાવેદને શૂન્ય રનના સ્કોર પર આઉટ કર્યો હતો.
નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેણુકા સિંહ જ્યારે નાની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. પિતા ક્રિકેટના ખૂબ જ શોખીન હતા અને વિનોદ કાંબલીના ફેન હતા. આ કારણથી તેણે પોતાના પુત્રનું નામ વિનોદ રાખ્યું છે. પિતાના સપના મુજબ દીકરો ક્રિકેટર ન બની શક્યો પરંતુ દીકરી રેણુકા ટીમ ઈન્ડિયા વતી એશિયા કપ રમીને પોતાની મોટી ઓળખ ઉભી કરી રહી છે. રેણુકાની માતા જલ શક્તિ વિભાગમાં કામ કરે છે.