- મહિલા એશિયા કપ T20 2024માં ભારતે પાકિસ્તાનને હરાવ્યું
- ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે 7 વિકેટે જીત મેળવી હતી
- ટીમ ઈન્ડિયા માટે શેફાલી-મંધાનાનું જોરદાર પ્રદર્શન
મહિલા એશિયા કપ T20 2024 મેચમાં ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાનની ટીમ 108 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 14.1 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
ભારતે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની મજબૂત ઇનિંગ્સના આધારે જીત નોંધાવી હતી. ભારત માટે બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. દીપ્તિ શર્માએ 3 વિકેટ લીધી હતી. મહિલા એશિયા કપ 2024માં ભારતીય ટીમની આ પ્રથમ મેચ હતી.
ટીમ ઈન્ડિયા માટે શેફાલી-મંધાનાનું જોરદાર પ્રદર્શન -
પાકિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમ માટે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન બંનેએ ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી. મંધાનાએ 31 બોલનો સામનો કર્યો અને 45 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 9 ચોગ્ગા સામેલ હતા. શેફાલીએ 29 બોલમાં 40 રન બનાવ્યા હતા. શેફાલીએ 6 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. દયાલન હેમલતા 14 રન બનાવીને આઉટ થઈ હતી. તેણે 11 બોલનો સામનો કર્યો અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. અંતમાં હરમનપ્રીત કૌર 5 રન બનાવીને અણનમ રહી હતી અને જેમિમા 3 રન બનાવ્યા બાદ અણનમ રહી હતી.
પાકિસ્તાનની ટીમ 108 રનમાં ઓલઆઉટ
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 108 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું. પાકિસ્તાનની ટીમ માટે સૌથી વધુ 25 રન અમીને બનાવ્યા હતા. તેણે 35 બોલનો સામનો કરીને 3 ચોગ્ગા ફટકાર્યા હતા અને ફાતિમા સનાએ 22 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 16 બોલનો સામનો કરીને અણનમ 22 રન બનાવ્યા હતા. સનાએ એક ફોર અને બે સિક્સ ફટકારી હતી.
ટીમ ઈન્ડિયાની ઘાતક બોલિંગ
પાકિસ્તાનની ઇનિંગ દરમિયાન ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. ભારત તરફથી રેણુકા સિંહ, શ્રેયંકા પાટીલ અને પૂજાએ 2-2 વિકેટ લીધી હતી.