• પેરિસમાં પેરાલિમ્પિક 2024 ગેમ્સ શરૂ થઈ ગઈ છે
  • પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન
  • ઘણા એથ્લેટ્સ આગલા રાઉન્ડ માટે ક્વોલિફાય થયા

પેરિસમાં પેરાલિમ્પિક ગેમ્સ શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઘણા એથ્લેટ્સ આગલા રાઉન્ડ માટે ક્વોલિફાય થયા. આમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન માત્ર 17 વર્ષની તીરંદાજ શીતલ દેવીનું હતું. વિશ્વની પ્રથમ આર્મલેસ તીરંદાજ શીતલ દેવી પેરાલિમ્પિકમાં ડેબ્યૂ કરવા આવી હતી અને તેણે ઉતરતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો.

પેરિસ પેરાલિમ્પિકમાં તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડ દરમિયાન તેણે 703 પોઈન્ટ બનાવ્યા અને વર્લ્ડ રેકોર્ડને તોડી નાખ્યો. જોકે, થોડા સમય બાદ તુર્કીની ઓઝનુર ગીર્ડી ક્યોરે 704 પોઈન્ટ સાથે શીતલને પછાડીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

શીતલની પ્રશંસા કરી

શીતલ દેવી જમ્મુ-કાશ્મીરના નાના ગામ કિશ્તવાડની રહેવાસી છે. 17 વર્ષની શીતલ દેવી ફોકોમેલિયા નામની જન્મજાત બીમારીથી પીડિત છે. બાળપણથી જ તેના બંને હાથ નહોતા, પરંતુ તેણે જીવનમાં ક્યારેય હાર માની નથી. હવે તેણે પેરિસમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. શીતલે 720 માંથી 703 માર્ક્સ મેળવ્યા અને રેન્કિંગ રાઉન્ડમાં બીજા સ્થાને રહી હતી. આ તેનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોર પણ છે. આ સાથે શીતલ 700 પોઈન્ટ મેળવનારી ભારતની પ્રથમ મહિલા તીરંદાજ બની ગઈ છે. તેના પરફોર્મન્સ અને ઉત્સાહને જોઈને તેની ઘણી પ્રશંસા થઈ રહી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ સહિત ઘણા પ્રશંસકો અને સેલિબ્રિટી તેના કૌશલ્યને સલામ કરી રહ્યા છે.

વિશ્વ અને પેરાલિમ્પિક રેકોર્ડ્સ

શીતલ દેવીનો વ્યક્તિગત વર્લ્ડ રેકોર્ડ તરત જ તૂટી ગયો હોવા છતાં, મિશ્ર ટીમ ઇવેન્ટમાં રેકોર્ડ બનવવામાં સફળ રહી હતી. શીતલ દેવી અને રાકેશ કુમારની ટીમે મળીને પેરિસ પેરાલિમ્પિકમાં તીરંદાજીમાં વિશ્વ અને પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. શીતલના 703 પોઈન્ટ બાદ રાકેશ કુમારે તેમના વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડમાં 696 પોઈન્ટ મેળવ્યા હતા. આ રીતે, પોતપોતાનાવ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડના અંત પછી, બંનેએ મળીને કુલ 1399 પોઈન્ટ્સ મેળવ્યા હતા. મિશ્ર ટીમ ઈવેન્ટમાં પેરાલિમ્પિકમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે. આ જોડી હવે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે તેમની ક્વાર્ટર ફાઈનલ મેચ 2 તારીખે રાત્રે 8:40 કલાકે રમાશે.

આ રીતે મારી કારકિર્દીની શરૂઆત થઈ

17 વર્ષની ઉંમરે ઈતિહાસ સર્જનાર શીતલ દેવીએ 15 વર્ષની ઉંમર સુધી ધનુષ અને તીર પણ જોયું ન હતું. 2022 તેના માટે એક મોટો બદલાવ લાવ્યો. તેણીના એક સબંધિની વિનંતી પર, શીતલે જમ્મુના કટરામાં શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી. તે તેના ઘરથી લગભગ 200 કિમી (124 માઇલ) દૂર છે. ત્યાં તેઓ અભિલાષા ચૌધરી અને તેમના બીજા કોચ કુલદીપ વેદવાનને મળ્યા, જેમણે તેમને તીરંદાજીની દુનિયામાં પરિચય કરાવ્યો હતો. આ પછી, તે ટૂંક સમયમાં કટરા શહેરમાં શિફ્ટ થઈ ગઈ અને ટ્રેનિંગ શરૂ કરી અને 2 વર્ષની અંદર તેણે પેરાલિમ્પિક્સમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

  • Follow us on: