• ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે આજની મેચ
  • સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો
  • બેંગ્લોરે કોઈપણ ભોગે મુંબઈ ઈન્ડિયન્સને હરાવવું પડશે

વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની 19મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચમાં સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. બેંગ્લોર માટે આ મેચ ઘણી મહત્વની બની રહી છે. પ્લેઓફમાં પહોંચવા માટે બેંગ્લોરે કોઈપણ ભોગે મુંબઈ ઈન્ડિયન્સને હરાવવું પડશે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌર બેંગ્લોરને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવા ઈચ્છશે. બીજી તરફ જો બેંગ્લોર આજની મેચ હારી જાય છે તો તેની પ્લેઓફમાં જગ્યા બનાવવાની શક્યતાઓ થોડી ઘટી શકે છે.

MI અને RCB વચ્ચે ટક્કર

19મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ત્રણ વખત સામસામે આવી ચૂકી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ત્રણેય મેચ જીતી છે. WPLના ઈતિહાસમાં સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં બેંગ્લોર મુંબઈ ઈન્ડિયન્સને હરાવવામાં નિષ્ફળ રહી છે. જ્યારે હરમપ્રીત કૌર ફરી એકવાર આ રેકોર્ડ જાળવી રાખવા માંગશે. જ્યારે મંધાનાની નજર મુંબઈનો આ રેકોર્ડ તોડવા પર હશે.

બેંગલોર માટે કરો યા મરોની લડાઈ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર WPL 2024 પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, પરંતુ તેમના માટે આજની મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો બેંગ્લોર આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવવામાં સફળ થશે તો તે સરળતાથી પ્લેઓફમાં જગ્યા બનાવી લેશે, પરંતુ જો તે આ મેચ હારી જશે તો તેણે પ્રાર્થના કરવી પડશે કે ગુજરાત જાયન્ટ્સ દિલ્હીને મોટા માર્જિનથી હરાવે નહીં. બેંગ્લોર માટે કરો યા મરો મેચમાં કેપ્ટન સ્મૃતિ મંધાના પાસેથી ખાસ ઇનિંગની અપેક્ષા રાખવામાં આવશે. આરસીબીના ચાહકો પણ એલિસ પેરી પાસેથી ખાસ ઇનિંગની અપેક્ષા રાખી રહ્યા છે. જ્યારે બોલિંગમાં મરિજને કેપ, શિખા પાંડે અને રાધા યાદવ પાસેથી ઝડપી વિકેટ લેવાની અપેક્ષા રાખવામાં આવશે.


મુંબઈ ઈન્ડિયન્સ પાસે ટોચ પર પહોંચવાની તક

ગત સિઝનની જેમ આ વખતે પણ હરમનપ્રીતની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. મુંબઈ અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, પરંતુ તેની પાસે બેંગ્લોરને હરાવીને ટોપ પર જવાની સુવર્ણ તક હશે. તેમની છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને રોમાંચક મેચમાં 7 વિકેટે હરાવ્યું હતું. કેપ્ટન હરમનપ્રીતે ગુજરાત વિરૂદ્ધ કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી. તેણે 48 બોલમાં અણનમ 95 રન બનાવ્યા હતા.

ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલી યાસ્તિકા ભાટિયાએ પણ ગુજરાત સામે 36 બોલમાં 49 રનની ઇનિંગ રમી હતી. બેટિંગ ઉપરાંત મુંબઈના બોલરોએ પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. શબનીમ ઈસ્માઈલ, પૂજા વસ્ત્રાકર અને સાયકા ઈશાકે અદ્ભુત બોલિંગ કરી હતી. તેની પાસેથી ફરી એકવાર ઘાતક બોલિંગની અપેક્ષા રાખવામાં આવશે. મુંબઈના ચાહકો બેંગ્લોર સામે કેપ્ટન હરમનપ્રીત કૌર પાસેથી ખાસ ઈનિંગની અપેક્ષા રાખી રહ્યા છે.

બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન

RCB: સ્મૃતિ મંધાના (c), સોફી મોલિનક્સ, એલિસ પેરી, સોફી ડિવાઇન, રિચા ઘોષ (wk), જ્યોર્જિયા વેરહેમ, દિશા કેસેટ, શ્રેયંકા પાટિલ, આશા શોભના, શ્રદ્ધા પોખરકર, રેણુકા ઠાકુર સિંહ.

MI: હેલી મેથ્યુઝ, નેટ સાયવર-બ્રન્ટ, પ્રિયંકા બાલા (wk), હરમનપ્રીત કૌર (c), એમેલિયા કેર, અમનજોત કૌર, એસ સજના, પૂજા વસ્ત્રાકર, હુમૈરા કાઝી, શબનીમ ઈસ્માઈલ, સાયકા ઈશાક.

  • Follow us on: