- ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સિરીઝ
- આ સિરીઝમાં ટીમની કમાન શુભમન ગિલના હાથમાં છે
- ત્રીજી T20માં સંજુના કારણે ધ્રુવ જુરેલનું પત્તુ કપાઈ શકે છે
ટીમ ઈન્ડિયા આ દિવસોમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. શુભમન ગિલની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા અહીં ઝિમ્બાબ્વે સામે 5 મેચની T20 સીરીઝ રમી રહી છે. સિરીઝની બે મેચ રમાઈ છે, હવે ત્રીજી મેચ 10 જુલાઈએ રમાશે. આ મેચ માટે ત્રણ સ્ટાર ખેલાડીઓ ટીમ ઈન્ડિયા સાથે જોડાયા છે. જે બાદ હવે કેપ્ટન શુભમન ગિલ સામે મોટો પડકાર હશે કે ત્રીજી મેચની પ્લેઈંગ ઈલેવનમાં કોને તક આપવી અને કયા ખેલાડીને પડતો મુકવો.
પ્લેઇંગ-11 ગિલ માટે પડકાર
બીજી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળ્યો હતો. ખલીલ અહેમદને બહાર કર્યા બાદ સાઈ સુદર્શનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને શિવમ દુબે ત્રીજી મેચ માટે ટીમ સાથે જોડાયા છે.
વાસ્તવમાં આ ત્રણેય ખેલાડીઓ T20 વર્લ્ડકપ 2024 માટે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં ટીમ ઈન્ડિયા સાથે હાજર હતા. બીજી મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ ઘણી ખતરનાક રહી હતી. આવી સ્થિતિમાં, આ ત્રણ ખેલાડીઓના આગમન સાથે, કેપ્ટન શુભમન ગિલ સામે પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરવામાં મોટો પડકાર રહેશે.
આ ખેલાડીઓને ટીમમાં મળી શકે તક
બીજી મેચ બાદ હવે ચાહકોની નજર ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી રહેશે તેના પર છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન શુભમન ગિલ અને અભિષેક શર્મા ઓપનિંગ કરી રહ્યા છે. અભિષેક શર્મા શાનદાર ફોર્મમાં છે તેથી તેને પડતો મુકવો મુશ્કેલ છે, આવી સ્થિતિમાં યશસ્વી જયસ્વાલ માટે જગ્યા બનાવવી થોડી મુશ્કેલ માનવામાં આવે છે. વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ પ્રથમ મેચમાં ફ્લોપ સાબિત થયો હતો, જોકે તેણે બીજી મેચમાં બેટિંગ કરી ન હતી. હવે સંજુ સેમસનના આગમન બાદ ધ્રુવ જુરેલનું પત્તુ કપાઈ શકે છે.