નમિતા કરતાં એની દીકરી વ્યોમા વધારે પરેશાન હતી. નમિતાએ વ્યોમાને લગ્ન માટે છોકરાઓ બતાવવાનું શરૂ કર્યું કે તરત એનો હંમેશનો શાંત સ્વભાવ અચાનક બંડખોર થઈ ગયો હતો. એનું કારણ તરત તો ન સમજાયું પણ એક દિવસ એ વાતવાતમાં બોલી ગઈ હતી કે, `મારે તો પરણવું જ નથી.'

દીકરીના મોઢામાંથી અચાનક આવી વાત સાંભળી નમિતા ચોંકી ગઇ અને પૂછી બેઠી,`કેમ? તું લગ્ન કરવાની ના પાડે છે. તારે મોડાં લગ્ન કરવાં હોય તો અમને જરાય વાંધો નથી એકાદ વરસ પછી કરી શકીએ, પણ લગ્ન નહીં કરવાની વાત તારા મનમાં આવી ક્યાંથી?'

 દાદી તને હેરાન કરે છે તે હું નથી જોતી? એ ગુસ્સાથી બોલી, લગ્ન કરીને તું ગુલામની જેમ જીવન જીવી રહી છે. એવું જીવન હું જીવવા માંગતી નથી. મમ્મી, આવી રીતે કોણ રહે?

 `બધા એવા ન હોય બેટા, ને જો દાદી ખરાબ નથી. એ જૂના વિચારોવાળાં છે, એટલે બોલે. અત્યારે કોઈ આવું ન હોય..' નમિતાએ દીકરીને પ્રેમથી સમજાવ્યું.

 પણ પપ્પા કે ભાઈ તો જૂના જમાનાના નથી. એ લોકો પણ તારો પક્ષ નથી લેતાં. દાદીને બોલવા જ દે છે. ના બાબા, હું તો ખૂબ ભણીશ, પછી બોસ થઈ બધાને ખખડાવીશ. આમ લગ્ન કરીને બધું સહન કરતી બેસી નહીં રહું.

 વ્યોમાની વાત નમિતાને ચિંતામાં નાખતી ગઈ. આમ ને આમ તો આ છોકરીના મનમાં લગ્ન માટે પૂર્વગ્રહ થઈ જવાનો. સમજદાર થયા પછી જે નિર્ણય લે તે ઠીક પણ અધૂરી સમજથી પૂર્વગ્રહ બાંધે તે તો સારી વાત નથી જ.

જોકે એની વાત સાચી હતી. નમિતા ક્યારેય મનગમતી જિંદગી જીવી શકી નહોતી. એનાં સાસુ ભારે કડક. સતત નમિતાને બિઝી રાખે. સાંજની રસોઈ કરીને બાલ્કનીમાં કશુંક વાંચતી બેઠી હોય તો, `મારા પગે માલિશ કરશે કોઈ? આ રોજ મારે કહેવું પડે? જાતે નહીં સૂઝે તમને?' કહી નમિતાને અચૂક ઉઠાડે અને વાતચીતનો ટોન કાયમ ઊંચો જ હોય. હુકમ કરતાં હોય કે ખખડાવી નાખતાં હોય તેવો. રોજ નમિતાનાં બન્ને બાળકો આર્યન અને વ્યોમા વચ્ચે ભેદ કરે.' વ્યોમા રસોઈ ક્યારે શીખવાની? ' `વ્યોમા શાક સુધાર.' જેવા હુકમ છોડ્યા જ કરે. અને આર્યન માટે તો `રમવા ગયો હતો? થાક્યો હશે, નમિતા, પાણી લાવ, વ્યોમા, ભાઈને નાસ્તો આપો.'

નિતેષભાઈને કંઈ પણ કહેવા જાય એટલે એ એમ જ કહે, `મારે કોનો પક્ષ લેવો? મારે તો માય વહાલી ને તમે પણ...'

 નમિતાને આમ તો કંઈ વાંધો ન હતો પણ એણે જોયું કે આવા વાતાવરણથી વ્યોમા જરા વધારે અકળાવા લાગી હતી. નાની હતી ત્યારે સમજ ઓછી હતી પણ હવે એ સમજતી હતી એટલે વિચારતી હતી. અને એ પૂરું સાચું નહોતું.

 નમિતાએ નિતેષભાઈને વાત કરી. એમણે પહેલાં તો વાતને હસવામાં કાઢી નાંખી પણ પછી વ્યોમાનું વર્તન જોઈ એમનેય ચિંતા થઈ. એ ધીમેધીમે પુરુષોની વિરોધી થઈ રહી હતી અને દાદીને જોઈને જ ગુસ્સે થતી હતી. આમ જ રહ્યું તો ચોક્કસ એના મનમાં લગ્ન માટે પૂર્વગ્રહ બંધાઈ જવાનો.

એમણે નિતેષભાઈનેય વાત કરી. બંનેએ આ અણગમો વહેલીતકે દૂર કરવો જ રહ્યો. એમણે નક્કી કર્યું કે જ્યારે વ્યોમા ઘરે હોય ત્યારે વ્યોમા પર વિશેષ ધ્યાન આપવું. વ્યોમાને થોડું વધુ વહાલ કરવું. નિતેશભાઈએ પણ એમનાં માને સમજાવતાં કહ્યું, `જો મા, આજકાલ ભણતર બહુ ભારે થઈ ગયું છે. વ્યોમાનું મન અશાંત થાય એવું તારે કંઈ પણ બોલવું નહીં.'

નિતેષભાઈએ અને નમિતાએ મળીને નક્કી કર્યું કે બાળકોને શીખવવા માટે પહેલાં આપણે વર્તન સુધારીશું. પરસ્પર પ્રેમથી રહીશું. કડવાશને સંબંધની મીઠાશમાં ઓગાળીશું. એનો અમલ કરવામાં શરૂઆતમાં થોડી તકલીફ પડી. પણ પછી નિતેષભાઈનેય થોડા જ સમયમાં સમજાયું કે પરસ્પર પ્રેમથી રહેવામાં તો કેટલી મઝા છે! ખરી મજા ચર્ચા કે કડક વર્તનમાં નથી ખરી મજા તો પ્રેમની છે.

ઘણી વાર બાળકો સાચાં હોય છે, આપણે આપણી ભૂલ હોય તો તે સાચા મનથી સ્વીકારી લેવી એ જ સમજદારી છે. અત્યારની પેઢી દંભી નથી. અલબત્ત, એ લોકો બાંધછોડ કરવામાં કે ચલાવી લેવામાં માનતા નથી પણ એ લોકો પોતાને જે સાચું લાગે એ પ્રમાણે જીવવામાં માને છે. જે શીખવા જેવું છે.


  • Follow us on: