- ઇલેક્ટ્રીક સ્કૂટરનો ઉપયોગ યોગ્ય રીતે કરો
- યોગ્ય રીતે વપરાશ કરવાથી માઇલેજ સારી મળશે
- વારંવાર ચાર્જ કરવાનું ટાળો
ઇલેક્ટ્રિક વાહનોની ડિમાંડ વધી રહી છે. એક તરફ પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઇને તથા પર્યાવરણને લઇને લોકો હવે ઇલેક્ટ્રીક વાહનો ખરીદવા લાગ્યા છે. પરંતુ તેની યોગ્ય જાળવણી કરવી અનિવાર્ય છે. નહી તો બેટરી તથા અન્ય ઉપકરણને નુકસાન થઇ શકે છે. ત્યારે જો તમે ઇલેક્ટ્રીક સ્કૂટરનો ઉપયોગ કરી રહ્યા હોવ તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો. જેથી સ્કૂટરની લાઇફ વધશે અને કોઇ વધારાનો ખર્ચો નહી આવે.
ઝડપ મર્યાદા પર ધ્યાન આપો
પેટ્રોલ સ્કૂટરની જેમ ઇલેક્ટ્રિક સ્કૂટરને પણ સાવધાની સાથે ચલાવવાની જરૂર છે. તેથી તેની સ્પીડ યોગ્ય રાખો. ઓવરસ્પીડિંગ કરવાનું ટાળો. કારણ કે આમ કરવાથી તેની રેન્જ ઘટી જાય છે. જો તમે તેને 40-60 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવો છો તો તમને સારી ડ્રાઇવિંગ રેન્જ મળશે. તેથી વધુ ઝડપે ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવશો નહીં...
વારંવાર ચાર્જ કરવાનું ટાળો
જો તમે પણ તમારા ઈલેક્ટ્રિક સ્કૂટરને વારંવાર ચાર્જ કરો છો તો આવુ કરવાનું આજથી જ બંધ કરી દો. તેનાથી બેટરી પર ખરાબ અસર પડે છે. બેટરી 10-15% હોય ત્યારે જ ચાર્જ થવી જોઈએ અને ક્યારેય 100% સુધી ચાર્જ ન કરવી.
ટાયરમાં હવાનું યોગ્ય દબાણ જાળવી રાખો
તમારા ઇલેક્ટ્રિક સ્કૂટરના બંને ટાયરમાં હવાનું યોગ્ય દબાણ જાળવો, આમ કરવાથી તમને સારું પરફોર્મન્સ મળશે અને ટાયરની લાઈફ પણ સારી રહેશે. વધુ કે ઓછી હવા સ્કૂટરના પ્રદર્શન પર નકારાત્મક અસર કરે છે.
સામાન્ય ચાર્જરનો ઉપયોગ કરો
જો તમારા ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે ઝડપી અને સામાન્ય ચાર્જર આપવામાં આવે છે. તો સામાન્ય ચાર્જરનો જ ઉપયોગ કરવાનો પ્રયાસ કરો… ફાસ્ટ ચાર્જરનો વારંવાર ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી રાઇડિંગ રેન્જ સુધારો આવે છે.
તડકામાં પાર્ક કરશો નહીં
જો તમે તમારું ઇલેક્ટ્રિક સ્કૂટર તડકામાં પાર્ક કરો છો, તો આજથી આમ કરવાનું બંધ કરો. સ્કૂટરને તડકામાં પાર્ક કરવાથી તે ખૂબ જ ગરમ થઈ જશે અને પાછળથી ઘણું નુકસાન થઈ શકે છે. વળી તમારા સ્કૂટરની એક પણ સર્વિસ ચૂકશો નહીં. ભૂલ્યા વગર સમયસર સર્વિસ કરાવો.