વૈશ્વિક સુરક્ષાના ક્ષેત્રમાં એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ચેતવણી સામે આવી છે. વિશ્વના પાંચ શક્તિશાળી દેશોના ગુપ્તચર જોડાણ, જેને 'ફાઇવ આઇઝ' (Five Eyes) તરીકે ઓળખવામાં આવે છે, તેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઝડપથી વિકસતા મોડેલો વિશે સરકારો અને કંપનીઓને સાવધાન રહેવા જણાવ્યું છે.
AI નો વધતો ખતરો
મળતી માહિતી પ્રમાણે આ જોડાણમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ન્યુઝીલેન્ડ અને કેનેડાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ગુપ્તચર બાબતોમાં મૌન રહેતું આ જોડાણ જ્યારે સંયુક્ત નિવેદન જાહેર કરે, ત્યારે તે સાબિત કરે છે કે ખતરો કેટલો ગંભીર છે.
સાયબર હુમલાની બદલાતી ગતિ
ફાઇવ આઇઝ એજન્સીઓ દ્વારા જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, અદ્યતન AI મોડેલો એવી ક્ષમતા ધરાવે છે જે આપણી હાલની અપેક્ષાઓ કરતાં ક્યાંય વધુ શક્તિશાળી છે. આ ટેકનોલોજી સાયબર સુરક્ષાને મજબૂત કરવાના બદલે ઉલટું સાયબર હુમલાઓની જટિલતા અને ગતિમાં અનેકગણો વધારો કરી શકે છે. નિષ્ણાતોના મતે, આ પરિવર્તન વર્ષોમાં નહીં, પરંતુ આગામી 'મહિનાઓમાં' જ જોવા મળશે, જે સાયબર સુરક્ષા માટે એક મોટો પડકાર છે.
વિશ્વભરમાં કડક પગલાંની શરૂઆત
AI દ્વારા થતા સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને અમેરિકા જેવી મોટી શક્તિઓએ પહેલેથી જ કડક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં જ, યુએસ વહીવટીતંત્રે એન્થ્રોપિક (Anthropic) દ્વારા વિકસિત 'ફેબલ' જેવા અદ્યતન AI મોડેલ્સના ઉપયોગ પર વિદેશી નાગરિકો માટે પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત, CISA જેવી અમેરિકન સુરક્ષા એજન્સીઓએ સરકારી નેટવર્કની નબળાઈઓને સુધારવાની સમયમર્યાદા ઘટાડીને માત્ર ત્રણ દિવસ કરી દીધી છે, જે દર્શાવે છે કે સરકારો AI થી થનારા હુમલાઓ માટે કેટલી ગંભીર છે.
'ફાઇવ આઇઝ'નું મહત્વ
'ફાઇવ આઇઝ' એ બીજા વિશ્વયુદ્ધ પછી ૧૯૪૬માં શરૂ થયેલું વિશ્વનું સૌથી જૂનું ગુપ્તચર નેટવર્ક છે. આ જોડાણ પરસ્પર સુરક્ષા અને વૈશ્વિક જોખમોનો સામનો કરવા માટે સિગ્નલ ગુપ્તચર (SIGINT) માહિતી શેર કરે છે. આજે જ્યારે AI જેવી તકનીકો દુશ્મનો કે દૂષિત તત્વોના હાથમાં જઈ રહી છે, ત્યારે આ પાંચ દેશોનું જોડાણ એકજૂથ થઈને સમગ્ર સમાજ અને સંસ્થાઓને સાવચેત રહેવા વિનંતી કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ ખેડૂતો માટે ખુશખબર, ખાતરના જથ્થા સાથે 4 જહાજોનું હોર્મુઝ પાર કરી ભારતમાં આગમન