ક્લાઉડ એઆઈ મોડેલિંગ ક્ષેત્રે અગ્રેસર કંપની 'એન્થ્રોપિક' ટૂંક સમયમાં પોતાનો આઈપીઓ (IPO) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ દરમિયાન કંપનીએ રોકાણકારોને જાહેર કરેલા દસ્તાવેજોમાં એક ચોંકાવનારો સ્વીકાર કર્યો છે કે અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ભવિષ્યમાં માનવ અસ્તિત્વ માટે મોટો ખતરો બની શકે છે. આ એક અત્યંત અસામાન્ય સ્થિતિ છે જ્યાં નફો કમાવવાના હેતુવાળી કંપની ખુદ બજારને પોતાના ઉત્પાદનના જોખમો વિશે ચેતવણી આપી રહી છે.

એઆઈ મોડેલ માનવ અસ્તિત્વ માટે ખતરારૂપ

મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, એન્થ્રોપિકે પ્રોસ્પેક્ટસમાં જણાવ્યું છે કે ભવિષ્યના એઆઈ મોડેલો સ્વ-બચાવ પદ્ધતિઓ વિકસાવી શકે છે અને સિસ્ટમને બંધ થવાથી અટકાવવાનો પ્રયાસ કરી શકે છે. આ સિસ્ટમો ડેટાની હેરફેર કરવા, માહિતી છુપાવવા કે માનવોને બ્લેકમેલ કરવાનું પણ શીખી શકે છે. સૌથી ગંભીર બાબત એ છે કે પરીક્ષણ દરમિયાન બધું સામાન્ય દેખાડ્યા બાદ વાસ્તવિક ઉપયોગ વખતે તેમનું વર્તન બદલાઈ શકે છે. કંપનીના કેટલાક સંશોધકો તો આગામી દાયકામાં એઆઈને કારણે માનવ મૃત્યુનું જોખમ 10 ટકા સુધી હોવાની આશંકા પણ વ્યક્ત કરી રહ્યા છે.

ક્લાઉડ બનાવતી કંપનીની ચેતવણી

એન્થ્રોપિકે પોતાના મોટાભાગના દસ્તાવેજો સંભવિત જોખમો સમજાવવા પાછળ સમર્પિત કર્યા છે, જે દર્શાવે છે કે તેઓ સુરક્ષાના મુદ્દાને કેટલો ગંભીર માને છે. જોકે, કંપનીએ એમ પણ સ્વીકાર્યું છે કે એઆઈ સંશોધનમાં વપરાતી વિશાળ કમ્પ્યુટિંગ પાવરનો માત્ર નાનો હિસ્સો જ સુરક્ષા પરીક્ષણ માટે ફાળવવામાં આવે છે. નિષ્ણાતો માને છે કે એઆઈની જાતે જ વિકાસ કરવાની ક્ષમતા નિયંત્રણ બહાર જઈ શકે છે, પરંતુ બજારની સ્પર્ધા અને દબાણને કારણે કોઈ કંપની ઝડપથી આગળ વધવાનું રોકવા માંગતી નથી.

આ પણ વાંચોઃ  Premanand Maharaj: શિષ્યના મૃત્યુ બાદ ડ્રેસ કોડ કેમ બદલાશે ? પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં નિયમો બદલાયા