સ્માર્ટફોન ક્ષેત્રે ટેકનોલોજીની અગ્રણી કંપની એપલે (Apple) પોતાના ચાહકો માટે એક મોટો ધમાકો કર્યો છે. સપ્ટેમ્બર મહિનામાં આયોજિત 'સરપ્રાઇઝ એન્ડ શાઇન' ઇવેન્ટમાં રજૂ કરવામાં આવેલો એપલનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo' હવે ખરીદી માટે ઉપલબ્ધ થઈ રહ્યો છે. ભારતમાં આ પ્રીમિયમ ફોલ્ડેબલ ફોનનું પ્રી-બુકિંગ આજે સાંજે ૫:૩૦ વાગ્યાથી સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. ગ્રાહકો એપલની સત્તાવાર વેબસાઇટ તેમજ 'Apple Store' એપ મારફતે પોતાનો ફોન બુક કરાવી શકે છે, જ્યારે તેનું વ્યાપારી વેચાણ ૨૩ ઓક્ટોબરથી ઓનલાઇન અને પસંદગીના સ્ટોર્સ પર શરૂ થશે.

iPhone Duo એક પુસ્તકની જેમ ખુલે

ડિઝાઇનની દ્રષ્ટિએ iPhone Duo એક પુસ્તકની જેમ ખુલે છે, જેમાં બે અદભુત ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોન ખોલતા અંદર ૭.૬-ઇંચની સુપર રેટિના XDR મુખ્ય સ્ક્રીન મળે છે, જે iPhone 18 Pro Max ની સ્ક્રીન કરતાં આશરે ૫૦ ટકા મોટી છે અને મલ્ટીટાસ્કિંગ કે ગેમિંગ માટે ઉત્કૃષ્ટ અનુભવ પૂરો પાડે છે. જ્યારે બહારના ભાગે ૫.૪-ઇંચની સુપર રેટિના XDR કવર સ્ક્રીન આપવામાં આવી છે. બંને ડિસ્પ્લે એપલની અદ્યતન પ્રોમોશન (ProMotion) ટેકનોલોજીને સપોર્ટ કરે છે.

એપલની શક્તિશાળી A20 Pro ચિપસેટ લગાવાઇ

પરફોર્મન્સની વાત કરીએ તો, આ સ્માર્ટફોનમાં ૨nm પ્રોસેસ પર આધારિત એપલનો શક્તિશાળી A20 Pro ચિપસેટ લગાવાયો છે. આ ડિવાઇસ iOS 27.1 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને તેમાં સિરી એઆઈ (Siri AI) સહિતની તમામ 'Apple Intelligence' સુવિધાઓ ઉપલબ્ધ છે. ફોટોગ્રાફી માટે પાછળના ભાગે ૪૮-મેગાપિક્સલનો ડ્યુઅલ ફ્યુઝન કેમેરા (મેઇન + અલ્ટ્રા-વાઇડ) આપવામાં આવ્યો છે. આ સિવાય ૧૨-મેગાપિક્સલનો સેન્ટર સ્ટેજ ફ્રન્ટ કેમેરા અને વિડિયો કૉલિંગ માટે એક નવો અંડર-ડિસ્પ્લે ફેસટાઇમ કેમેરા પણ મોજૂદ છે.

આ રહી કિંમતો

કિંમતની દ્રષ્ટિએ, ભારતમાં iPhone Duo ના256GB બેઝ મોડેલની કિંમત ₹2,99,900 થી શરૂ થાય છે. આ સિવાય 512GB વેરિઅન્ટ ₹3,24,900 1TB મોડેલ ₹3,74,900 અને 1TB થી વધુ 2TB સ્ટોરેજ મોડેલ ₹4,49,900 માં ઉપલબ્ધ થશે. આ ફોન 'સ્ટાર વ્હાઇટ' અને 'નાઇટ સ્કાય' જેવા આકર્ષક રંગોમાં આવશે.

ખરીદી પર વિશેષ ઓફર

ખરીદી પર મળતી વિશેષ ઓફર્સ હેઠળ, એપલ ટ્રેડ-ઇન પ્રોગ્રામ દ્વારા જૂના ફોન પર ₹૮૧,૫૦૦ સુધીની એક્સચેન્જ ક્રેડિટ આપી રહ્યું છે. બેંક કાર્ડ્સ પર ₹૭,૦૦૦ નું ઇન્સ્ટન્ટ કેશબેક અને ૧૨ મહિના સુધીના નો-કોસ્ટ EMI વિકલ્પો પણ ઉપલબ્ધ છે. વધુમાં, ખરીદદારોને એપલ મ્યુઝિક, એપલ ટીવી+ અને એપલ આર્કેડનું ૩ મહિનાનું મફત સબ્સ્ક્રિપ્શન પણ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Britain: એક સાથે 5 નોકરીઓ અને કરોડોની કમાણી,બ્રિટનમાં WFHનો અનોખો કિસ્સો આવ્યો સામે