અલ્ટ્રા-લક્ઝરી સ્માર્ટફોન એસેસરીઝ અને કસ્ટમાઇઝેશન માટે વિશ્વભરમાં પ્રખ્યાત કંપની કેવિઅર (Caviar) એ સોના, પ્લેટિનમ અને હીરાથી જડિત અતિ-વૈભવી iPhone Duos ના નવા "વર્લ્ડ ટ્રેઝર્સ" કલેક્શનની જાહેરાત કરી છે. આ કલેક્શનમાં ભારત, યુરોપ, ચીન અને અરબ જગતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને કેન્દ્રમાં રાખીને ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ શ્રેણીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ભારતીય પરંપરાઓ અને પવિત્ર સંસ્કૃતિથી પ્રેરિત 'iPhone Duo Omkara Edition' બન્યું છે.

ઓમકારા એડિશનની અનોખી ડિઝાઇન અને ખાસિયતો

iPhone Duo Omkara Edition પ્રાચીન ભારતીય પવિત્ર પ્રતીક 'ઓમ' (Om) થી પ્રેરિત છે. આ ફોનની પાછળની પેનલ પર આધ્યાત્મિક વિકાસ અને પવિત્રતાના પ્રતીક સમાન કમળના ફૂલો તેમજ ભારતીય મંદિરોના ગર્ભગૃહના પ્રવેશદ્વાર જેવી જટિલ કોતરણી કરવામાં આવી છે. મધ્ય ભાગમાં વિશેષ દાગીનાના દંતવલ્ક (જ્વેલરી મીનાકારી)નો ઉપયોગ કરાયો છે, જે ૩૬ કુદરતી હીરાથી ઘેરાયેલો છે. આ ઉપરાંત, આ કલેક્શનમાં અરબી મહેલોની ભવ્ય સ્થાપત્યકળાથી પ્રેરિત 'કાસર અલ નૂર' (Qasr Al Noor) મોડેલ પણ રજૂ કરાયું છે, જેની પીઠ સંપૂર્ણપણે ૯૫૦ પ્લેટિનમ અને જટિલ અરબી કોતરણીથી બનેલી છે.

iphone duo

કિંમત અને ખરીદીની પ્રક્રિયા

આ અલ્ટ્રા-પ્રીમિયમ સ્માર્ટફોનની પ્રારંભિક કિંમત $૭૩,૦૦૦ (આશરે ₹૬૮.૯ લાખ) રાખવામાં આવી છે. આ કિંમતમાં ભારતના મુખ્ય શહેરોમાં લક્ઝરી 2BHK ફ્લેટ ખરીદી શકાય છે. કેવિઅરે સ્પષ્ટ કર્યું છે કે કંપની સમગ્ર વિશ્વમાં આ સુપર-એક્સક્લુઝિવ ઓમકારા એડિશનના માત્ર ૭ યુનિટ જ બનાવશે. ફોન ખરીદનાર ગ્રાહકોને આ પ્રોડક્ટ ૨૪-કેરેટ ગોલ્ડ પ્લેટિંગ ધરાવતા અને લાકડા-ચામડાથી બનેલા ખાસ 'કેવિઅર સુપ્રીમ' અને 'બ્લુ વેવ' બોક્સમાં આપવામાં આવશે.

રસ ધરાવતા ગ્રાહકો કેવિઅર ગ્લોબલની અધિકૃત વેબસાઇટ પરથી ઓર્ડર કરી શકે છે. ગ્રાહક તરફથી પૂર્ણ ચુકવણી થયા બાદ જ આ કસ્ટમાઇઝ્ડ ફોનનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય કુરિયર દ્વારા શિપિંગમાં આશરે એક અઠવાડિયાનો સમય લાગશે.

આ પણ વાંચોઃ Delhi Protests પાછળ ફ્રાન્સ કનેક્શન? 101 વૈશ્વિક સંગઠનોના નેટવર્કનો સસ્પેન્સિવ દાવો