ક્રિકેટના મેદાન પર પોતાની બેટિંગથી દુનિયાભરના ચાહકોને દિવાના બનાવનાર સચિન તેંડુલકર હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIની દુનિયામાં નવી ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યા છે. સચિને OpenAI સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે સચિને એ પણ જણાવ્યું છે કે તેઓ પોતે ChatGPTનો ઉપયોગ કેવી રીતે કરે છે.

સચિને  X પર પોસ્ટ કર્યો

સચિને સોમવારે X પર પોસ્ટ કરીને OpenAI સાથેની આ ભાગીદારીની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે OpenAI સાથે મળીને કેટલીક રસપ્રદ બાબતો પર કામ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તેના વિશે વધુ માહિતી લોકો સાથે શેર કરવામાં આવશે. જોકે, હાલમાં આ ભાગીદારી હેઠળ કયા પ્રોજેક્ટ પર કામ થશે તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી.

https://x.com/sachin_rt/status/2104444727127048693?s=20

સચિન ChatGPTનો કેવી રીતે ઉપયોગ કરે છે?

સચિને જણાવ્યું કે તેઓ નવી વસ્તુઓ જાણવા માટે હંમેશાં ઉત્સુક રહે છે. તેમના મનમાં કોઈ એક સવાલ આવે તો તેના જવાબ બાદ તે વિષયને વધુ સમજવા માટે બીજા સવાલો પણ ઉભા થાય છે. આવી સ્થિતિમાં તેઓ ChatGPTનો ઉપયોગ કરે છે.પરંતુ સચિન માટે ChatGPT માત્ર માહિતી મેળવવાનું સાધન નથી. તેમણે જણાવ્યું કે તાજેતરમાં તેમણે પોતાના પરિવાર સાથેની ટ્રિપનું આયોજન કરવા માટે પણ ChatGPTની મદદ લીધી હતી.એટલે કે પ્રવાસનું આયોજન હોય કે કોઈ નવા વિષય વિશે જાણવાની ઉત્સુકતા હોય, AI હવે સચિનના રોજિંદા કામમાં પણ ઉપયોગી બની રહ્યું છે.

10 સવાલમાં ChatGPTએ ઓળખી લીધા સચિનને

સચિને પોતાની પોસ્ટ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ ChatGPT સાથે એક ગેસિંગ ગેમ રમતા જોવા મળે છે.સચિને ChatGPTને કહ્યું કે માત્ર 10 સવાલ પૂછીને તેમની ઓળખ શોધવાની છે. ત્યારબાદ ChatGPTએ એક પછી એક સવાલ પૂછ્યા અને અંતે સાચો જવાબ આપતા સચિન તેંડુલકરનું નામ ઓળખી લીધું.

AI માટે ટેક એક્સપર્ટ હોવું જરૂરી નથી

સચિનનું કહેવું છે કે આ ભાગીદારી દરમિયાન તેઓ ChatGPTના વધુ ઉપયોગને સમજવાનો પ્રયાસ કરશે અને પોતાના અનુભવો લોકો સાથે શેર કરશે.તેમનો સંદેશ એ પણ છે કે AIનો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીના નિષ્ણાત હોવું જરૂરી નથી. તમારા મનમાં કોઈ સવાલ હોય, કોઈ વિચાર હોય અથવા કોઈ વિષયને વધુ સમજવાની ઇચ્છા હોય, તો ત્યાંથી AI સાથેની તમારી શરૂઆત થઈ શકે છે.

ભારતમાં પણ AIનો વધતો ઉપયોગ

સચિન અને OpenAIની આ ભાગીદારી એવા સમયે સામે આવી છે જ્યારે OpenAI ભારતમાં પોતાની હાજરી વધારવા પર ધ્યાન આપી રહી છે. કંપનીએ અગાઉ ભારતમાં ChatGPTના 100 મિલિયનથી વધુ સાપ્તાહિક યુઝર્સ હોવાની માહિતી આપી હતી.ભારતમાં વિદ્યાર્થીઓ,શિક્ષકો,ડેવલપર્સ અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો સહિત વિવિધ ક્ષેત્રના લોકો AIનો ઉપયોગ કરી રહ્યા છે. OpenAIએ 'OpenAI for India' પહેલ પણ શરૂ કરી છે, જેમાં AIની પહોંચ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

ક્રિકેટ અને AIનું કનેક્શન

ભારતીય ક્રિકેટ અને AI વચ્ચેનું જોડાણ નવું નથી. BCCIએ પણ ભારતીય ઘરેલુ ક્રિકેટ મેચો માટે ChatGPT સાથે ભાગીદારી કરી છે, જે માર્ચ 2028 સુધી ચાલવાની છે.હવે સચિન તેંડુલકરની OpenAI સાથેની ભાગીદારી બાદ ચાહકોની નજર એ વાત પર રહેશે કે સચિન AI સાથે કયા નવા પ્રયોગ કરે છે અને પોતાના અનુભવો લોકો સાથે કેવી રીતે શેર કરે છે.

આ પણ વાંચો - CDSCOએ આપી મોટી ચેતવણી, ડૉક્ટરની સલાહ વિના પેઇનકિલર ન લો