ક્રિસમસના તહેવારને લઇને સાઇબર ઠગોને જાણે છુટ્ટો દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યુ છે. ક્રિસમસ દરમિયાન લોકો સારા ઓફર્સ, સેલ અને ગિફ્ટસની જાહેરાત કરતા હોય છે. પરંતુ આ સમયગાળા દરમિયાન સાયબર ઠગો પણ સક્રિય થઈ ગયા છે, જેને લઈને ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. સાઇબર ઠગો ક્રિસમસ ફેસ્ટિવલની આડમાં લોકોને ફેક મેસેજ મોકલી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોને Christmas WhatsApp Scamથી સાવધાન રહેવા માટે ચેતવણી આપવામાં આવી છે.
મનીકંટ્રોલે સિક્યોરિટી રિસર્ચર્સના હવાલાથી જણાવ્યું છે કે તેમણે માત્ર 2 અઠવાડિયામાં 33 હજારથી વધુ ફિશિંગ ઇમેઇલ્સ ડિટેક્ટ કર્યા છે. સાથે જ સોશિયલ મીડિયા પર ફેક હોલિડે જાહેરાતો ફરતી કરવામાં આવી રહી છે, જેમાંથી ઘણી જાહેરાતો એકદમ અસલી જેવી લાગે છે.
ગિફ્ટ મેસેજથી લૂંટાય છે બેંક એકાઉન્ટ
સાઇબર અપરાધીઓ ફેક મેસેજને ગિફ્ટિંગ મેસેજની જેમ તૈયાર કરે છે. મેસેજમાં કહેવામાં આવે છે કે તમારા નામે કોઈ પાર્સલ આવ્યું છે અથવા પાર્સલમાં તમારા માટે ગિફ્ટ છે. આ મેસેજમાં એક લિંક પણ આપવામાં આવે છે, જેમાં ક્લિક કરવા માટે અલગ-અલગ પ્રકારના લાલચ આપવામાં આવે છે.
ગિફ્ટની લાલચમાં થાય છે ઠગીનો શિકાર
ગિફ્ટના લાલચમાં ઘણા લોકો તે લિંક પર ક્લિક કરી દે છે. ત્યારબાદ તે લિંક તેમને ખતરનાક પોર્ટલ પર લઈ જાય છે અથવા તેમના મોબાઇલ ફોનમાં ખતરનાક મેલવેર ઇન્સ્ટોલ કરી દે છે.
બેંક ખાતું પણ ખાલી થઈ શકે છે
અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજમાં આપેલી લિંક બેંક ખાતામાં ઘુસણખોરી કરી શકે છે અને આખું ખાતું ખાલી કરી શકે છે. જેના કારણે લોકોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
વોટ્સએપ સ્કેમથી બચવાના ઉપાયો શું છે?
WhatsApp Scam અથવા અન્ય ફેક મેસેજથી બચવા માટે જરૂરી છે કે અજાણ્યા નંબરથી આવેલા કોઈ પણ લિંક પર ક્લિક ન કરો. આવા લિંક ખતરનાક મેલવેરને ફોનમાં ઇન્સ્ટોલ કરી દે છે, જે પછી સંવેદનશીલ માહિતી, ફોટા અને બેંક ડિટેલ્સ ચોરી શકે છે. ફોન કોલ અથવા મેસેજ આવ્યા બાદ કોઈને પણ પોતાની બેંક વિગતો, વ્યક્તિગત માહિતી અથવા OTP શેર ન કરો. જો કોઈ વ્યક્તિ વધારે ઉતાવળ બતાવે છે, તો તે સાઇબર ઠગ પણ હોઈ શકે છે.
