ડિજિટલ યુગમાં સાયબર છેતરપિંડી અને ઓનલાઇન કૌભાંડોના વધતા જતા કિસ્સાઓ વચ્ચે ગૂગલે એન્ડ્રોઇડ યુઝર્સની સુરક્ષા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી પહેલ કરી છે. કેવાયસી અપડેટ્સ, ફેક પાર્સલ કે બેંક એકાઉન્ટ બ્લોક થવાના નામે લોકોને ઠગતા સાયબર ગુનેગારોને રોકવા માટે ગૂગલ પોતાના યુઝર્સ માટે એઆઈ (AI) સંચાલિત નવું 'એન્ટી-સ્કેમ સ્માર્ટ શિલ્ડ' રજૂ કરી રહ્યું છે. આ અદ્યતન સુવિધા શંકાસ્પદ સ્પામ કૉલ્સને માત્ર ઓળખશે જ નહીં પરંતુ છેતરપિંડી થાય તે પહેલાં જ કૉલને આપમેળે ડિસ્કનેક્ટ કરીને તે નંબરને બ્લોક પણ કરી દેશે.
પ્રોસેસિંગ દરમિયાન યુઝરનો ડેટા ગૂગલ પોતે પણ નહીં જોઇ શકે
ગૂગલનું આ નવું ફ્રેમવર્ક 'જેમિની નેનો' (Gemini Nano) મોડેલ અને પ્રાઇવેટ AI કમ્પ્યુટિંગ ટેકનોલોજી પર કામ કરે છે, જે યુઝર્સની ગોપનીયતા (Privacy) નું સંપૂર્ણ ધ્યાન રાખે છે. કંપનીના જણાવ્યા મુજબ, પ્રોસેસિંગ દરમિયાન યુઝરનો વ્યક્તિગત ડેટા કે માહિતી ગૂગલ પોતે પણ જોઈ શકશે નહીં.
આ રીતે તે ઓળખશે સાયબર ફ્રોડ
આ સુરક્ષા મોડ હેઠળ, ગૂગલ મેસેજીસ (Google Messages) એપમાં એક નવું 'એન્હસ્ડ સિક્યોરિટી મોડ' (Enhanced Security Mode) ઉમેરવામાં આવી રહ્યું છે. જો કોઈ સ્કેમર ટેક્સ્ટ ચેટ દ્વારા યુઝરને છેતરવાનો પ્રયાસ કરશે અથવા ફેક ફિશિંગ વેબસાઇટની લિંક મોકલશે, તો આ સિસ્ટમ લિંક પર ક્લિક કરતા પહેલાં જ રીઅલ-ટાઇમ વેબ સિગ્નલો દ્વારા ખતરાને ઓળખીને સ્ક્રીન પર ચેતવણી (Alert) દર્શાવશે.
કોલ ફોરવર્ડિંગ કૌભાંડો પર લાગશે રોક
આ ઉપરાંત, ગૂગલે અજાણતા થતા સ્ક્રીન શેરિંગ અને કોલ ફોરવર્ડિંગ કૌભાંડો પર પણ કડક રોક લગાવી છે. છેતરપિંડી કરનારાઓ ઘણીવાર મદદ કરવાના બહાને લોકો પાસે ફોનની સ્ક્રીન શેર કરાવી લેતા હોય છે અથવા MMI કોડ ડાયલ કરાવીને કોલ ફોરવર્ડિંગ સક્રિય કરાવી લેતા હોય છે. નવી એન્ડ્રોઇડ સિસ્ટમ ગૂગલ ક્રોમ અને એન્ડ્રોઇડ વેબવ્યુ (Android WebView) પર આવી સંવેદનશીલ માહિતીને છુપાવી દેશે અને કોઈપણ એપને ગુપ્ત રીતે કોલ ફોરવર્ડ કરવાની મંજૂરી આપશે નહીં.
સાયબર ગુનાઓ પર આવશે અંકુશ
ઓનલાઇન ફ્રોડમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા નકલી બેંક કોલ્સ (Call Spoofing) ને અટકાવવા માટે ગૂગલે બેંકો સાથે સીધી ભાગીદારી કરી છે. હવે જ્યારે પણ બેંકના નામે કોઈ કૉલ આવશે, ત્યારે એન્ડ્રોઇડ સિસ્ટમ રીઅલ ટાઇમમાં બેંક સાથે ચકાસણી કરીને કન્ફર્મ કરશે કે કૉલ ખરેખર બેંકમાંથી જ છે કે કોઈ સ્કેમરનો છે. આ તમામ સુવિધાઓથી આગામી સમયમાં સાયબર ગુનાઓ પર મોટો અંકુશ મેળવી શકાશે.
આ પણ વાંચોઃ iPhone Duo માટે પ્રી-બુકિંગ આજથી શરૂ! એક્સચેન્જ પર મળશે ₹81,500 સુધીની ક્રેડિટ