મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) દ્વારા યુઝર્સની પ્રાઇવસી વધારવા માટે લાવવામાં આવી રહેલા તેના અત્યાર સુધીના સૌથી મોટા 'યુઝર આઈડી' (User ID/Username) ફીચર પર હવે ભારત સરકારની નજર પડી છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર વોટ્સએપના આ નવા ફીચરની ગંભીરતાથી સમીક્ષા કરવા જઈ રહી છે. સરકારને આશંકા છે કે આ ફીચરના કારણે ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ફ્રોડની ઘટનાઓમાં મોટો ઉછાળો આવી શકે છે. જો આ ફીચરમાં સુરક્ષાને લઈને કોઈ ક્ષતિ જણાશે, તો સરકાર વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા (Meta) ને સત્તાવાર નોટિસ પણ મોકલી શકે છે.

ગૃહ મંત્રાલય ફીચરને લઈને ચિંતિત 

તાજેતરમાં જ વોટ્સએપે જાહેરાત કરી હતી કે તેઓ યુઝર્સ માટે યુઝરનેમ ફીચર રોલઆઉટ કરી રહ્યા છે, જેનાથી કોઈ પણ વ્યક્તિ પોતાનો મોબાઈલ નંબર શેર કર્યા વગર માત્ર યુઝર આઈડી દ્વારા અન્ય લોકો સાથે ચેટ કરી શકશે. કંપનીએ તેને પ્રાઇવસી અપગ્રેડ ગણાવ્યું હતું. પરંતુ ભારત સરકારના આઈટી અને ગૃહ મંત્રાલયના સંલગ્ન વિભાગો આ ફીચરને લઈને ચિંતિત છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે મોબાઈલ નંબર છુપાઈ જવાથી સાયબર ગુનેગારો, સ્કેમર્સ અને ફેક એકાઉન્ટ ચલાવતા તત્વો ઓળખ મેળવ્યા વગર લોકોને સરળતાથી શિકાર બનાવી શકશે અને ગુનો કર્યા પછી તેમને ટ્રેક કરવા અત્યંત મુશ્કેલ બની જશે.

વોટ્સએપના 50 કરોડથી વધુ સક્રિય યુઝર્સ

હાલમાં ભારતમાં વોટ્સએપના 50 કરોડથી વધુ સક્રિય યુઝર્સ છે અને દેશમાં ડિજિટલ એરેસ્ટ, રોકાણના નામે છેતરપિંડી અને લોટરી સ્કેમ જેવા સાયબર ગુનાઓ સતત વધી રહ્યા છે. આવા સમયે નંબર વગરના એકાઉન્ટ્સ તપાસ એજન્સીઓ માટે મોટો પડકાર ઉભો કરી શકે છે. સરકાર જોવા માંગે છે કે શું વોટ્સએપ પાસે આવા અનામી યુઝર્સની ઓળખ ચકાસવાની કોઈ નક્કર સિસ્ટમ છે કે નહીં.

મેટા પાસે ખુલાસો માંગી શકશે

બીજી તરફ, મેટા કંપનીનું કહેવું છે કે આ ફીચરથી યુઝર્સની વ્યક્તિગત વિગતો સુરક્ષિત રહેશે અને સ્કેમર્સથી બચવા માટે તેઓ સેલિબ્રિટીઝ તેમજ સરકારી સંસ્થાઓના નામે ફેક યુઝરનેમ બનાવવા પર પહેલેથી જ પ્રતિબંધ લગાવી રહ્યા છે. જો કે, સરકાર ટેક કંપનીઓની દલીલોથી સંતુષ્ટ નથી અને ટૂંક સમયમાં જ મેટાના ઉચ્ચ અધિકારીઓ સાથે આ મુદ્દે બેઠક યોજીને સ્પષ્ટતા માંગી શકે છે.

આ પણ વાંચો:China: જિનપિંગની કડક ચેતવણી, 'તાઈવાનને ચીનનો ભાગ બનાવીને જ જંપીશું, કોઈની દખલગીરી સહન નહીં થાય'