ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એકવાર ફરી તાઈવાન મુદ્દે પોતાનું કડક વલણ સ્પષ્ટ કરી દીધું છે. ચીનની શાસક કમ્યુનિસ્ટ પાર્ટી (CPC) ના ૧૦૫મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત ભવ્ય સમારોહને સંબોધિત કરતા જિનપિંગે જાહેરાત કરી છે કે તાઈવાનનું ચીનમાં સંપૂર્ણ વિલય કરવું એ તેમની સરકાર અને પાર્ટીની સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમણે તાઈવાનની આઝાદીની માંગ કરનારા અલગતાવાદી જૂથો અને વૈશ્વિક સ્તરે તેમને મદદ કરતી બાહ્ય શક્તિઓને ખુલ્લી ચેતવણી આપી છે. જિનપિંગે સ્પષ્ટ કર્યું છે કે ચીન પોતાના 'રાષ્ટ્રીય એકીકરણ' (National Unification) ના ઐતિહાસિક લક્ષ્યથી કોઈપણ સંજોગોમાં પાછળ હટશે નહીં.

તાઈવાનને ચીન અંતર્ગત લાવવાની રણનીતિ

પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે જણાવ્યું હતું કે, તાઈવાનનો મુદ્દો ઉકેલવો એ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીનું એક અટલ મિશન છે અને તેને દરેક પરિસ્થિતિમાં પૂરું કરવામાં આવશે. તેમણે તાઈવાનની સ્વતંત્રતાની વકાલત કરનારા તત્વોને આડે હાથ લેતા કહ્યું કે, દેશની અખંડિતતાને નુકસાન પહોંચાડનારા કોઈપણ જૂથ સામે ચીન કડક અને નિર્ણાયક લશ્કરી અથવા રાજદ્વારી કાર્યવાહી કરશે. નવી વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે તાઈવાનને ચીન અંતર્ગત લાવવાની રણનીતિને હવે વધુ આક્રમક રીતે લાગુ કરવામાં આવશે.

જિનપિંગે સૈન્ય તાકાત વધારવા પર વિશેષ ભાર મૂકતા કહ્યું કે, એક શક્તિશાળી અને મજબૂત દેશ બનવા માટે એટલી જ મજબૂત સેના હોવી અનિવાર્ય છે. માત્ર એક શક્તિશાળી લશ્કરી બળ જ ચીનની રાષ્ટ્રીય સંપ્રભુતા, સુરક્ષા અને વિકાસના હિતોનું રક્ષણ કરી શકે છે. ચીનના રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાઈવાન સ્ટ્રેટ (સમુદ્ર ધુની) વિસ્તારમાં ચીની સેના અને યુદ્ધ જહાજોની ગતિવિધિઓ સતત વધી રહી છે.

ચીન ક્યારેય ઝૂકશે નહીં.

આર્થિક મોરચે વાત કરતા તેમણે સ્વીકાર્યું કે ચીન અત્યારે એક એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે જ્યાં દેશ સામે તકોની સાથે-સાથે મોટા જોખમો અને પડકારો પણ છે. પરંતુ ચીન પોતાના માર્ગ પર મક્કમ રહેશે. તેમણે પક્ષના નેતાઓને આંતરિક ભ્રષ્ટાચાર અને શિસ્તહીનતા સામે કડક વલણ અપનાવવાની અપીલ કરી હતી. જિનપિંગે અંતમાં ગર્જના કરી હતી કે દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય કે રસ્તો ગમે તેટલો મુશ્કેલ હોય, ચીન ક્યારેય ઝૂકશે નહીં.

આ પણ વાંચો:EPFOની ઓનલાઇન સેવા 2 જુલાઈથી શરુ,ડિજિટલ અપગ્રેડ પૂર્ણ