ભારત સરકારે સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર બાળકોની ઓનલાઈન સુરક્ષા અને કાયદાકીય પાલનને લઈને પોતાનું વલણ અત્યંત સ્પષ્ટ કરી દીધું છે. મેટા સાથેની તાજેતરની ઉચ્ચસ્તરીય બેઠક અને વાતચીતમાં સરકારે કડક શબ્દોમાં જણાવ્યું છે કે જો ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન થશે, તો પ્લેટફોર્મને 'સેફ હાર્બર' (Safe Harbor) સુરક્ષાનો લાભ મળશે નહીં. 

બાળકોની સલામતીના મુદ્દે કોઇ છૂટછાટ નહીં

સરકાર હવે ડિજિટલ પ્લેટફોર્મ પર બાળકોની સલામતીના મુદ્દે કોઈપણ પ્રકારની છૂટછાટ આપવાના મૂડમાં નથી. ખાસ કરીને બાળ જાતીય દુર્વ્યવહાર સામગ્રી (CSAM) સંબંધિત કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત છે અને તેમાં ક્ષતિ જણાતા સંડોવાયેલા પ્લેટફોર્મને કાનૂની રક્ષણ આપવામાં આવશે નહીં.

સરકારની મેટા પર લાલ આંખ

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, મેટાએ હવે આ સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાની પ્રણાલી વધુ સઘન બનાવી છે અને ગેરકાયદેસર સામગ્રીને ફિલ્ટર કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે લેવામાં આવેલા તમામ પગલાં હાલના કાયદાકીય માળખા અને વૈધાનિક સત્તાઓના દાયરામાં છે. આ સાથે જ, સરકારે મેટાની કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમમાં ભારતની વિશાળ ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને ધ્યાનમાં રાખવાની આવશ્યકતા પર પણ ભાર મૂક્યો છે. માત્ર વૈશ્વિક ધોરણોના આધારે કન્ટેન્ટ મોડરેશન કરવું ભારત જેવા વૈવિધ્યસભર દેશ માટે પૂરતું નથી.

AI દ્વારા જનરેટેડ કન્ટેન્ટ પર સરકારનું નિયંત્રણ

આ ઉપરાંત, સરકાર વોટ્સએપ યુઝરનેમની ચકાસણી અને પ્રક્રિયા પર પણ તીક્ષ્ણ નજર રાખી રહી છે. આઈટી મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, આ માત્ર કોઈ એક પ્લેટફોર્મનો મામલો નથી પરંતુ સમગ્ર ઉદ્યોગમાં તેની સમીક્ષા ચાલી રહી છે, કારણ કે તે અન્ય મેસેજિંગ પ્લેટફોર્મને પણ અસર કરે છે. તાજેતરના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટ કરવામાં આવતી સામગ્રી પર પણ કડક નિયંત્રણો મૂકવાની વાત પર ભાર અપાયો છે, જેથી યુઝર્સને સ્પષ્ટ ખબર પડી શકે કે તેઓ જે સામગ્રી જોઈ રહ્યા છે તે અસલી છે કે AI દ્વારા તૈયાર કરેલી છે.

આ પણ વાંચોઃ Apple: એપલ લાવી રહ્યું છે કેમેરાવાળા એરપોડ્સ, સિરી બનશે વધુ સ્માર્ટ