ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ સ્પષ્ટ કર્યું છે કે મોબાઇલ ફોનના 15 આંકડાના IMEI નંબર કે કોઈપણ ટેલિકોમ આઈડેન્ટિફાયર સાથે છેડછાડ હવે ખૂબ જ ગંભીર ગુનો ગણવામાં આવશે. આ ગુનો નોન-બેલેબલ શ્રેણીમાં આવે છે અને તેમાં મહત્તમ ત્રણ વર્ષની જેલ, 50 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. સરકારે ટેલિકોમ નેટવર્કને સુરક્ષિત રાખવા અને નકલી ડિવાઈસીસ પર લગામ લગાવવા આ કડક વલણ અપનાવ્યું છે.


ઉત્પાદકોથી લઈ વેચાણકર્તાઓને DoTની ચેતવણી

ટેલિકોમ વિભાગે મોબાઇલ ફોન ઉત્પાદકો, બ્રાન્ડ ઓનર્સ, ઈમ્પોર્ટર્સ અને તમામ વેચાણકર્તાઓ માટે એક વિસ્તૃત એડવાઈઝરી જારી કરી છે, જેમાં જણાવાયું છે કે ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 હેઠળ કોઈપણ ટેલિકોમ આઈડેન્ટિફાયર સાથે છેડછાડ કરવા પર કડક દંડ ફટકારવામાં આવશે. વિભાગે બધી કંપનીઓને કાયદાકીય માળખાનું સંપૂર્ણ પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.

સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે IMEI બદલવાથી કાયદાનું અમલીકરણ કરનારી એજન્સીઓ માટે ગુનેગારોને શોધવાનું અત્યંત મુશ્કેલ બને છે. તેથી, IMEI રજિસ્ટ્રેશન અને તેને સંબંધિત તમામ પ્રક્રિયાઓને કડક રીતે નિયંત્રિત કરવામાં આવી રહી છે.

ટેલીકોમ એક્ટ 2023 અને સાયબર સિક્યુરિટી નિયમ

નવી સિસ્ટમ હેઠળ, ફક્ત IMEI બદલવાને જ નહીં, પરંતુ એવા તમામ રેડિયો ડિવાઈસ જેવા કે મોબાઇલ, મોડેમ, સિમ બોક્સને જાણી જોઈને પોતાની પાસે રાખવું, જ્યારે તેનું ટેલીકોમ આઈટેન્ટીફાયર ખોટું કે બદલાયેલું હોય તો તેને પણ ગુનો ગણવામાં આવશે. આ ગુનાઓ નોંધનીય અને બિન-જામીનપાત્ર છે. વધુમાં, જેઓ આવા કૃત્યોમાં મદદ કરે છે, સલાહ આપે છે અથવા તો પ્રોત્સાહન આપે છે તેમને સમાન સજાનો સામનો કરવો પડશે.

ટેલિકોમ સાયબર સિક્યુરિટી રૂલ્સ 2024 મુજબ, કોઈપણ વ્યક્તિ ટેલિકોમ ડિવાઇસના યુનિક આઇડેન્ટિફિકેશન નંબરને ડિલીટ, બદલી અથવા સુધારી શકતી નથી. આ ઉપરાંત, IMEI બદલવાની ક્ષમતા ધરાવતા કોઈપણ હાર્ડવેર અથવા સોફ્ટવેરનો ઉપયોગ કરવો અથવા રાખવો એ પણ ગુનો છે.

IMEI રજિસ્ટ્રેશન હવે ફરજિયાત

નવી માર્ગદર્શિકા અનુસાર, ભારતમાં ઉત્પાદિત દરેક મોબાઇલ ફોન, મોડ્યુલ, મોડેમ અને સિમ બોક્સનો IMEI નંબર સરકારના Device Setu (ICDR) Portal પર પ્રથમ વેચાણ, ટેસ્ટીંગ અથવા રિસર્ચ પહેલા રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. તેવી જ રીતે, વિદેશથી IMEI નંબર વાળુ કોઈ પણ ડિવાઈસ ભારતમાં લાવતા પહેલા તેના IMEI નંબરનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

DoTનું કહેવું છે કે આ નિયમોનું પાલન કરવું દેશની સાયબર સુરક્ષા, કર પાલન અને નકલી ઉપકરણોના પ્રસારને રોકવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉલ્લંઘન કરનારાઓ પર કોઈ પણ પ્રકારની છૂટછાટ વિના કાર્યવાહી કરવામાં આવશે.

  • Follow us on: