તાજેતરમાં વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડ્સનું લિસ્ટ સામે આવ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે 123456, 12345678 અને 123456789 એ વિશ્વમાં ત્રણ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડ છે. આ પાસવર્ડ નબળા છે અને તેનું અનુમાન લગાવવું સરળ છે. હેકર્સ પળભરમાં જ તેને ક્રેક કરી શકે છે. તેથી, તમારા એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે તમારે એક યૂનિક અને મજબૂત પાસવર્ડ સેટ કરવો જોઈએ. જોકે, આ પ્રક્રિયા દરમિયાન કેટલાક લોકો અજાણતાં કેટલીક ભૂલો કરે છે. આ ભૂલો ટાળવી જરૂરી છે.


સરળ લાગતા પાસવર્ડ ના બનાવો

ઘણા લોકો ભૂલી જવાના ડરથી સરળ લાગે તેવા પાસવર્ડ સેટ કરે છે. આવા પાસવર્ડ યાદ રાખવામાં તો સરળ હોય છે, પરંતુ તે હેકર્સનાં હાથમાં જવાનો ભય પણ છે. તેથી, હંમેશા એક મજબૂત પાસવર્ડ સેટ કરો. જો તમને તમારો પાસવર્ડ યાદ ના રહેતો હોય, તો તમે પાસવર્ડ મેનેજરની મદદ લઈ શકો છો.

બધા એકાઉન્ટ માટે એક જ પાસવર્ડ સેટ ના કરો

ઘણા લોકો તેમના બધા એકાઉન્ટ માટે એક જ પાસવર્ડ સેટ કરે છે. આ ખતરનાક બની શકે છે. જો તમારો પાસવર્ડ ખોટા હાથમાં જાય, તો તમારા બધા એકાઉન્ટ હેક થઈ શકે છે. તેથી, દરેક એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડ સેટ કરો. આ રીતે, જો એક પાસવર્ડ લીક થઈ જાય તો પણ બાકીના એકાઉન્ટ્સ સુરક્ષિત રહેશે.

નાના પાસવર્ડ રાખવાનું ટાળો

ઘણા લોકો ઝડપથી લોગ ઇન કરવા માટે 4 કે 6 અક્ષરોના પાસવર્ડ સેટ કરે છે. આવા પાસવર્ડને સુરક્ષાની ગેરંટી ના ગણી શકાય. સાયબર નિષ્ણાતો કહે છે કે 12 અક્ષરો કે તેથીના લાંબા પાસવર્ડ વધુ સુરક્ષિત હોય છે. તેમને હેક કરવા અથવા તો તેનું અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલ છે, જેના કારણે હેકિંગનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે.

નામવાળા પાસવર્ડ બનાવવા

ઘણા લોકો પોતાના અથવા પરિવારના સભ્યોના નામ સાથે પાસવર્ડ સેટ કરે છે. હેકર્સ આ વાતથી વાકેફ હોય છે અને આવા પાસવર્ડ ટ્રાય કરી શકે છે. તેથી સુરક્ષાના કારણોસર તમારા નામ સાથે પાસવર્ડ બનાવવાનું ટાળો અને યૂનિક પાસવર્ડ સેટ કરો, જેમાં નંબર, નામ અને સ્પેશિયલ કેરેક્ટર્સ હોવા જોઈએ.

  • Follow us on: