દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે જોડાયેલા ડેટા લીકના સમાચારે ડિજિટલ બેંકિંગ યુઝર્સમાં ચિંતાનું મોજું ફેરવી દીધું છે. 21 ઓક્ટોબર, 2026 ના રોજ સામે આવેલા અહેવાલો મુજબ, ડાર્ક વેબ પર આશરે3,75,000 SBI રેકોર્ડ શોધી કાઢવામાં આવ્યા હતા. બેંકની પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે આમાંથી આશરે 3,897 રેકોર્ડમાં ગ્રાહકોની અંગત ઓળખ સંબંધિત માહિતી હોવાની શક્યતા છે, જેને પગલે સાયબર સિક્યુરિટી નિષ્ણાતોની મદદથી ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.
કઈ માહિતી લીક થવાની આશંકા છે?
અહેવાલો અનુસાર, લીક થયેલા રેકોર્ડ્સમાં ગ્રાહકોના નામ, મોબાઇલ નંબર, જન્મ તારીખ, ઇમેઇલ, ઘરનું સરનામું, શાખા, ગ્રાહક ઓળખ નંબર (CIF) અને લોન સંબંધિત કેટલીક વિગતો શામેલ હોવાની આશંકા છે. જોકે, બેંકે સ્પષ્ટ કર્યું છે કે ડાર્ક વેબ પર મળેલા તમામ રેકોર્ડ અધિકૃત નથી. વધુમાં, આ ઘટનાથી બેંકની મુખ્ય બેંકિંગ કામગીરી, નાણાકીય સેવાઓ કે વ્યવસાયિક સાતત્ય પર કોઈ નકારાત્મક અસર પડી નથી.
શું ગ્રાહકોના પૈસા જોખમમાં છે?
સામાન્ય રીતે માત્ર સંપર્ક વિગતો કે પ્રાથમિક માહિતી લીક થવાથી બેંક ખાતામાંથી સીધા પૈસા ઉપાડી શકાતા નથી, પરંતુ આ માહિતીનો ઉપયોગ કરીને ફિશિંગ એટેક કે ઓનલાઈન ઠગાઈનું જોખમ વધી જાય છે. જો સાયબર ગુનેગારોને લોગિન આઈડી, પાસવર્ડ અથવા કાર્ડની ગુપ્ત વિગતો ન મળે ત્યાં સુધી ખાતું સીધું ખાલી થઈ શકતું નથી. આથી, અત્યાર સુધીની તપાસમાં ગ્રાહકોના નાણાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
બેંકિંગ ડેટા કઈ રીતે ચોરાય છે?
બેંક ડેટા બ્રીચ થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે:
ફિશિંગ અને ફેક મેસેજ: નકલી SMS કે WhatsApp લિંક દ્વારા ગ્રાહકો પાસેથી લોગિન વિગતો કે OTP મેળવવો.
ટેકનિકલ ખામીઓ: બેંકની વેબસાઇટ, એપ કે API માં સુરક્ષાની નબળાઈઓનો દુરુપયોગ કરવો.
થર્ડ-પાર્ટી લીક્સ: બેંક સાથે જોડાયેલી ટેકનોલોજી કે લોન પ્રોસેસિંગ કંપનીઓના સર્વરથી ડેટા ચોરાવો.
માલવેર: મોબાઈલ કે કમ્પ્યુટરમાં વાયરસ દ્વારા સંવેદનશીલ માહિતી ચોરવી.
આ પણ વાંચોઃ Apple લોન્ચ કરવા જઇ રહ્યુ છે નવું ગેજેટ્સ, 28 ઓક્ટોબરે લોન્ચ થવાની શક્યતા