ટેકનોલોજીની દુનિયામાં દિનપ્રતિદિન અદ્ભુત ફેરફારો થઈ રહ્યા છે. અત્યાર સુધી આપણે ફોલ્ડ થઈ શકે તેવા લેપટોપ અને સ્માર્ટફોન જોયા છે, પરંતુ હવે લેનોવો કંપનીએ ટેકનોલોજીને એક નવું જ રૂપ આપ્યું છે. જર્મનીના બર્લિનમાં યોજાયેલા પ્રખ્યાત ટેક શો IFA 2026 માં લેનોવોએ 'પ્રોજેક્ટ સ્વાન' (Project Swan) નામનો એક અનોખો રોલેબલ લેપટોપ પ્રોટોટાઇપ પ્રદર્શિત કર્યો છે. આ નવી ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની સ્ક્રીનને ફોલ્ડ કરવાને બદલે રોલ (Roll) કરીને વિસ્તૃત કરી શકાય છે.

રોલ આઉટ લેપટોપ કર્યુ લોન્ચ

સામાન્ય રીતે આપણે ફિક્સ સ્ક્રીનવાળા લેપટોપ જોયા છે, પરંતુ આ નવા ખ્યાલથી યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ લેપટોપની સ્ક્રીનનું કદ નાનું કે મોટું કરી શકશે. લેનોવોના આ પ્રોટોટાઇપમાં 14 ઇંચની સ્ક્રીનને જરૂર પડ્યે 17 ઇંચ સુધી રોલ આઉટ કરી શકાશે. આ ડિસ્પ્લે 16.9 આસ્પેક્ટ રેશિયો સાથે આવે છે, જે પરંપરાગત વાઇડસ્ક્રીન લેપટોપ જેવો જ અનુભવ કરાવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સ્ક્રીન 2,258 બાય 1,672 પિક્સેલથી લઈને2,850 બાય 1,672પિક્સેલ સુધી ફેલાઈ શકે છે, જેને લગભગ 4k ડિસ્પ્લે જેવી ગુણવત્તા તરીકે વર્ણવવામાં આવી રહી છે.

વાઇડસ્ક્રીન અનુભવને ધ્યાનમાં રાખીને કરાઇ ડિઝાઇન

લેનોવો અગાઉ પણ રોલેબલ ટેકનોલોજી પર કામ કરી ચૂક્યું છે, જેમાં થિંકબુક પ્લસ રોલેબલ અને CES 2026 માં પ્રદર્શિત થયેલા લીજન પ્રો રોલેબલનો સમાવેશ થાય છે. જોકે, પ્રોજેક્ટ સ્વાનની ડિઝાઇન ખાસ કરીને યુઝર્સની સુવિધા અને વાઇડસ્ક્રીન અનુભવને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આમાં સ્ક્રીનનું કંટ્રોલિંગ કીબોર્ડની ઉપર આવેલા ફંક્શન બટનો દ્વારા કરી શકાય છે. આ ડિઝાઇનથી લેપટોપ પાતળું અને હળવું રહેવાની સાથે વજનમાં પણ સંતુલિત રહે છે.

લોન્ચની તારીખ હજુ નક્કી નહીં

હાલના તબક્કે 'પ્રોજેક્ટ સ્વાન' માત્ર એક પ્રોટોટાઇપ અથવા કોન્સેપ્ટ જ છે. લેનોવો દ્વારા હજુ સુધી આ અદભુત ડિવાઇસની કિંમત, તેના કન્ફિગરેશન કે બજારમાં સત્તાવાર રીતે લોન્ચ થવાની તારીખ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ આ ટેકનોલોજી ભવિષ્યના કમ્પ્યુટિંગ ક્ષેત્રે મોટો બદલાવ લાવવા માટે તૈયાર છે.

આ પણ વાંચોઃ Iran: કેમ આલીશાન ઘર મોજતબા ખામેનેઇએ વેચવા કાઢ્યું ? લંડન સ્થિત 460 કરોડની મિલકત પર લાગી બોલી