ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇ સાથે કથિત રીતે જોડાયેલા લંડનના બે અત્યંત આલીશાન લક્ઝરી ફ્લેટ હવે વેચાણ માટે બજારમાં મૂકવામાં આવ્યા છે. આ બંને મિલકતોની કુલ કિંમત આશરે 36 મિલિયન પાઉન્ડ એટલે કે ભારતીય રૂપિયામાં આશરે 460 કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જોકે, સત્તાવાર જમીન રેકોર્ડ અનુસાર આ સંપત્તિઓ અલી અકબર અંસારી નામના એક ઈરાની ઉદ્યોગપતિની માલિકીની છે, જેમના પર ઈરાનની સેના એટલે કે આઈઆરજીસી (IRGC) ને નાણાકીય સહાય પૂરી પાડવાનો ગંભીર આરોપ છે.
હપ્તા ન ભરાતા વેચાણમાં મુકાઇ સંપત્તિ
પ્રસિદ્ધ અખબારો 'ધ ટેલિગ્રાફ' અને 'ધ સન્ડે ટાઇમ્સ'ના અહેવાલો મુજબ, અંસારીએ આ ભવ્ય મિલકતો ખરીદવા માટે ખાનગી ધિરાણકર્તાઓ પાસેથી મોટી લોન લીધી હતી. પરંતુ, સમયસર લોનના હપ્તા ચૂકવવામાં નિષ્ફળ રહેવાને કારણે ધિરાણકર્તાઓએ પોતાના નાણાં વસૂલ કરવા માટે કાનૂની રીસીવરોની નિમણૂક કરી છે. હવે આ રીસીવરોની સીધી દેખરેખ હેઠળ આ ફ્લેટોને વહેલી તકે વેચી દેવાની પ્રક્રિયા ચાલી રહી છે. વિશ્વભરમાં જાણીતી પ્રોપર્ટી ફર્મ્સ સોથેબી અને નાઈટ ફ્રેન્ક દ્વારા અંદાજે 12 મિલિયન પાઉન્ડ (લગભગ ₹153 કરોડ) ની કિંમતમાં એક પેન્ટહાઉસ વેચવામાં આવી રહ્યું છે. આ આલીશાન પ્રોપર્ટી કેન્સિંગ્ટન પેલેસની બરાબર સામે આવેલી છે અને તેમાં પાંચ બેડરૂમ તથા સ્ટાફ માટેની અલગ રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
https://twitter.com/Alexkennedy213/status/2096731503690686908
