મેટાએ હવે ફેસબુક યુઝર્સ માટે લોગીન કરવાની એક નવી અને વધુ સુરક્ષિત રીત પાસ-કી રજૂ કરી છે આ સુવિધા હાલમાં iOS અને એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ પર રોલઆઉટ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં મેસેન્જર એપમાં પણ ઉમેરવામાં આવશે.


પાસ-કી મૂળભૂત રીતે એક ડિજિટલ લોગીન સિસ્ટમ છે જે જૂના પાસવર્ડને બદલે છે. યુઝરે લોગીન કરવા માટે ફિંગરપ્રિન્ટ, ફેસ આઈડી અથવા ડિવાઇસ પિનનો ઉપયોગ કરવો પડે છે. આ ટેકનોલોજી FIDO એલાયન્સ દ્વારા વિકસાવવામાં આવી છે, જેનો હેતુ ઓનલાઈન એકાઉન્ટ્સની સુરક્ષા સુધારવાનો છે.

પાસ-કી છે વધુ સુરક્ષિત

મેટા કહે છે કે પાસકી ટેકનોલોજી પરંપરાગત પાસવર્ડ્સ કરતાં ઘણી વધુ સુરક્ષિત છે. તે માત્ર ફિશિંગ એટેક અને ક્રેડેશિંયલની ચોરી સામે રક્ષણ આપે છે, પરંતુ પાસવર્ડ સ્પ્રેઇંગ જેવી હેકિંગ તકનીકો સામે પણ ખૂબ જ મજબૂત સાબિત થાય છે.

કેવી રીતે કામ કરે છે આ સુવિધા?

યુઝર્સ તેમના ફેસબુક એપ્લિકેશનના સેટિંગ્સમાં "એકાઉન્ટ્સ સેન્ટર" પર જઈને પાસકી સેટ કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, યુઝર્સને લોગ ઇન કરતી વખતે આપમેળે આ ઓપ્શન માટે પૂછવામાં આવી શકે છે. એકવાર પાસ-કી સેટ થઈ ગયા પછી, મોબાઇલ ડિવાઈસ પર ફેસબુકમાં લોગ ઇન કરવું વધુ ઝડપી અને વધુ સુરક્ષિત બનશે.

મેટા ભવિષ્યમાં મેસેન્જર, મેટા પે અને એન્ક્રિપ્ટેડ મેસેજ બેકઅપ સુરક્ષિત કરવા જેવી અન્ય સુવિધાઓમાં પાસ-કીનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. જોકે પાસકી ડિફોલ્ટ લોગિન વિકલ્પ બનશે, યુઝર્સ હજુ પણ એવા ડિવાઈસ પર પરંપરાગત પાસવર્ડ સાથે લોગ ઇન કરી શકશે જે તેને સપોર્ટ કરતા નથી.

બાયોમેટ્રિક ડેટા અંગે મેટાની સ્પષ્ટતા

મેટાએ સ્પષ્ટતા કરી છે કે યુઝરના ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ડેટા જેવી બાયોમેટ્રિક વિગતો ફક્ત ડિવાઇસમાં જ સ્ટોર થાય છે અને કંપનીને તેમના વિશે કોઈ માહિતી મળતી નથી. આ રીતે, યુઝરની ખાનગી ઈન્ફરમેશન પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે.


  • Follow us on: