કેમેરા વગરનો ફોન...કદાચ સાંભળવામાં અજીબ લાગતુ હશે. પરંતુ છેલ્લાં કેટલાય દિવસથી કેમેરા વગરનો iPhone ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ ફોન જોવામાં સેમ ટુ સેમ iPhoneની જેમ દેખાય છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ ફોનમાં કેમેરો જ નથી. આવો જાણીએ કેમેરા વગરનો આઇફોન કંપની કેમ બનાવે છે અને જો તમારે ખરીદવો છે તો કેવી રીતે ખરીદી શકાશે...
કેમેરા વગરનો iPhoneનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.ઘણા લોકોને વિશ્વાસ નથી થતો કે આવો પણ iPhone મળે છે, જ્યારે ઘણા લોકો એ જાણવા માંગે છે કે આ પ્રકારના ફોન બને છે કેમ.. જો તમારા મનમાં પણ આ જ પ્રશ્નો હોય તો આવો જાણીએ તેના વિશે દરેક માહિતી.
કેમેરા વગરના iPhoneનું શું કામ છે?
વિશ્વભરમાં ઘણા નિષ્ણાતો iPhoneને એન્ડ્રોઇડ સ્માર્ટફોન કરતાં વધુ સુરક્ષિત માનતા હોય છે. આ કારણે ઘણી કંપનીઓ પોતાના કર્મચારીઓને આંતરિક કમ્યુનિકેશન માટે iPhone આપે છે. જોકે, મિલિટરી ઉપયોગ માટે આવતા iPhoneમાં સુરક્ષા કારણોસર સોફ્ટવેર અને હાર્ડવેરમાં અનેક ફેરફારો કરવામાં આવે છે.
આપને જણાવી દઇએ કે મિલિટરી અને સિક્રેટ પ્રોજેક્ટ્સ પર કામ કરનાર લોકો પર હેકિંગનો ખતરો સતત રહે છે. તેઓ દ્વારા વપરાતા સ્માર્ટફોનને હેકર હેક કરીને વીડિયો બનાવી શકે છે. એટલે જ અનેક દેશોમાં મિલિટરી, ન્યૂક્લિયર પ્લાન્ટ, રિસર્ચ લેબોરેટરી અને સિક્રેટ પ્રોજેક્ટ્સમાં કામ કરતા લોકોને કેમેરા વગરના આઇફોન આપવામાં આવે છે. આવા ફોનમાં માત્ર થોડા બેસિક ફીચર્સ જ આપવામાં આવે છે.
નો કેમેરા ઝોન એક મોટું કારણ
અનેક યુઝર્સે Reddit પર શેર કર્યું કે તેઓ જ્યાં કામ કરતા હતા ત્યાં ફોટો પાડવાની મંજૂરી નહોતી. તેથી કર્મચારીઓને કેમેરા વગરના iPhone આપવામાં આવતા હતા. આથી કંપનીઓને આંતરિક માહિતી ગુપ્ત રાખવામાં મદદ મળે છે અને ડિવાઇસ હેકિંગ તેમજ સ્પાયિંગથી પણ સુરક્ષિત રહે છે.
કેમેરા વગરના iPhoneની કેટલી કિંમત હોય છે?
રિપોર્ટ્સ અનુસાર, કેમેરા વગરના iPhoneની કિંમત સામાન્ય મોડેલ્સ કરતાં ઘણી વધારે હોય છે. ઇન્ટરનેટ પર મળેલી માહિતી મુજબ કેમેરા વગરના iPhone SE (2020) અને iPhone SE (2022)ની કિંમત 1,130 થી 1,680 ડોલર વચ્ચે હોઈ શકે છે, જે મૂળ કિંમતો કરતાં ઘણા વધુ છે.
આ પણ વાંચોઃ આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરે 6 મહિનામાં 2 લાખ યુનિટ વેચીને બનાવ્યો નવો રેકોર્ડ