કલ્પના કરો કે તમે તમારા મહેનતના પૈસાથી એક મોંઘો સ્માર્ટફોન ખરીદો છો. નવો ફોન હાથમાં લેતી વખતે તેની વીજળી જેવી ઝડપી ગતિ તમને ખુશ કરી દે છે; એપ્સ પળભરમાં ખુલી જાય છે, કેમેરા તુરંત ફોટા પાડે છે અને ગેમ્સ રમવાની મજા પડી જાય છે. પરંતુ, થોડા વર્ષો પછી એ જ ફોન તમને હેરાન કરવા લાગે છે. એપ્સ ખુલવામાં સમય લે છે, ભારે કામ વખતે સ્ક્રીન જામ થઈ જાય છે અને ટાઈપિંગમાં પણ લેગ દેખાય છે. શું નવો ફોન ખરીદવો જ એકમાત્ર વિકલ્પ છે? ચાલો આના કારણો અને ઉપાયો સમજીએ.

૧. નવી એપ્સની વધતી જરૂરિયાતો સામે જૂના ફોનનું હાર્ડવેર

જ્યારે તમે ફોન નવો ખરીદો છો ત્યારે એપ્સ સરળતાથી ચાલે છે, પરંતુ સમય જતાં તે જ એપ્સમાં નવી સુવિધાઓ, અપડેટેડ ડિઝાઇન અને ભારે ફીચર્સ ઉમેરાય છે. આ નવી સુવિધાઓ ચલાવવા માટે પ્રોસેસર અને રેમ પર ભાર વધી જાય છે, જ્યારે ફોનનું હાર્ડવેર તો જૂનું જ રહે છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા કે વિડિયો એડિટિંગ જેવી એપ્સ હવે ખુલવામાં વધુ સમય લે છે.

૨. સ્ટોરેજ ભરાઈ જવાથી ઘટે છે ફોનની સ્પીડ

ફોટો, વિડિયો અને એપ્સ સતત ડાઉનલોડ કરવાથી ધીમે-ધીમે ફોનનું ઇન્ટરનેટ સ્ટોરેજ ફુલ થઈ જાય છે. શરૂઆતમાં પુષ્કળ ખાલી જગ્યા હોવાથી બધું સ્મૂથ ચાલે છે, પરંતુ સ્ટોરેજ ભરાઈ ગયા બાદ ફોનને નવો ડેટા પ્રોસેસ કરવામાં મુશ્કેલી પડે છે. આ કારણે ફોન હેંગ કે સ્તબ્ધ (Freeze) થવા લાગે છે, તેથી સમયાંતરે સ્ટોરેજ ચેક કરતા રહેવું જરૂરી છે.

૩. બેટરી નબળી પડવાને કારણે ઘટે છે પ્રોસેસરની ક્ષમતા

સ્માર્ટફોનની બેટરી આયુષ્ય મર્યાદિત હોય છે અને વારંવાર ચાર્જ-ડિસ્ચાર્જ થવાથી તે નબળી પડે છે. બેટરી નબળી પડવાથી માત્ર બેકઅપ જ નથી ઘટતો, પરંતુ ફોન અચાનક બંધ ન થઈ જાય તે માટે સ્માર્ટફોનનું સિસ્ટમ પ્રોસેસર જાતે જ તેની સ્પીડ ઘટાડી દે છે. જો તમારો જૂનો ફોન ઝડપથી બેટરી ઉતારતો હોય અને ધીમો પડી ગયો હોય, તો તેનું કારણ બેટરી હોઈ શકે છે.

૪. 'થર્મલ થ્રોટલિંગ' (Thermal Throttling) થી ધીમુ પડતું પ્રોસેસર

લાંબો સમય ગેમિંગ કરવાથી કે વિડિયો રેકોર્ડિંગ વખતે ફોન ગરમ થઈ જાય છે, ત્યારે ફોનની અંદરની સિસ્ટમ પ્રોસેસરને ધીમું કરી દે છે જેથી તાપમાન કાબૂમાં રહે. આ પ્રોસેસને 'થર્મલ થ્રોટલિંગ' કહેવાય છે. જ્યારે પ્રોસેસર પૂરી ક્ષમતાથી કામ નથી કરી શકતું, ત્યારે એપ્સ અને ગેમ્સ લેગ થવા લાગે છે.

૫. ભારે સોફ્ટવેર અપડેટ્સ જૂના ફોન પર ભારે પડે છે

ફોનની સુરક્ષા અને નવા ફીચર્સ માટે આવતા સોફ્ટવેર અપડેટ્સ ઉત્તમ છે, પરંતુ દરેક નવું અપડેટ જૂના હાર્ડવેર માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી. નવી ઓપરેટિંગ સિસ્ટમને ચલાવવા માટે વધુ રેમ અને પ્રોસેસર પાવર જોઈએ છે, જેના કારણે કેટલાક જૂના ફોન ધીમા પડી જાય છે, જોકે કેટલાક અપડેટ્સ બગ્સ સુધારીને પરફોર્મન્સ સારું પણ કરે છે.

૬. આંતરિક સ્ટોરેજ અને ડેટા મેનેજમેન્ટની અસર

આપણે સ્ટોરેજને માત્ર ફોટા પૂરતું સીમિત માનીએ છીએ, પરંતુ ફોન ચલાવતી વખતે બેકગ્રાઉન્ડમાં સતત ડેટા સેવ અને ડિલીટ થતો રહે છે. વર્ષોના સતત ઉપયોગથી ફોનની આંતરિક મેમરી પણ પ્રભાવિત થાય છે, જેના કારણે ફાઇલો સેવ કરવામાં અને એપ્સ ઓપન કરવામાં વિલંબ થાય છે.

નવો ફોન ખરીદતા પહેલા અપનાવો આ સરળ પગલાં

એકંદરે, 3-4 વર્ષ પછી સ્માર્ટફોન ધીમો થવા પાછળ કોઈ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. તો આગલી વખતે જ્યારે તમારો ફોન લેગ થાય, ત્યારે નવો ફોન ખરીદવાની ઉતાવળ કરવાને બદલે કેશ ક્લિયર કરવા, બિનજરૂરી એપ્સ હટાવવા અને સ્ટોરેજ ખાલી કરવા જેવા નાના ફેરફારો કરીને તેનો દેખાવ અને સ્પીડ સુધારી શકો છો.


આ પણ વાંચો : હવે WhatsApp આપશે ઉધાર રૂપિયા, ચેટિંગની સાથે બિલ પેમેન્ટ, લોન અને AIની સુવિધાઓ પણ મળશે