ફેસબુકની પેરન્ટ કંપની મેટા (Meta) માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર ફોકસ વધારવા અને કંપનીના માળખામાં ફેરફાર કરવાના ચક્કરમાં તાજેતરમાં જ હજારો કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. મેટાએ ગયા મહિને જ તેના વૈશ્વિક કર્મચારીઓમાંથી આશરે 10 ટકા એટલે કે લગભગ 8,000 લોકોને નોકરીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. આ મોટા આંચકા બાદ હવે કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) પોતે સ્વીકાર્યું છે કે કંપનીના રિસ્ટ્રક્ચરિંગ દરમિયાન કેટલીક મોટી ભૂલો થઈ છે અને યોજના મુજબ ધારેલા પરિણામો મળ્યા નથી.
ઇન્ટરનલ મેમોમાં ઝકરબર્ગે સ્વીકારી ભૂલ
રોયટર્સના અહેવાલ મુજબ, એક આંતરિક મેમોમાં માર્ક ઝકરબર્ગે તેમના કર્મચારીઓ સમક્ષ સ્વીકાર્યું છે કે કંપનીનું AI ટ્રાન્સફોર્મેશન સંપૂર્ણપણે સફળ રહ્યું નથી. તેમણે જણાવ્યું કે નવી ટેક્નોલોજી અને AI ના યુગમાં પોતાની જાતને ઢાળવાની પ્રક્રિયા દરમિયાન આગામી દિવસોમાં પણ આવી ભૂલો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનાના અંત સુધીમાં મેટામાં આશરે 78,000 કર્મચારીઓ કામ કરતા હતા, જેમાંથી 10 ટકા એટલે કે 8,000 કર્મચારીઓની છંટની કરવામાં આવી છે. આ સાથે જ, આશરે 7,000 જેટલા કર્મચારીઓને AI સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.













