WhatsApp પોતાના યુઝર્સ માટે લાંબા સમયથી રાહ જોવાતું નવું ફીચર લાવી રહ્યું છે. હવે યુઝર્સ કોઈપણ વ્યક્તિને મેસેજ મોકલવા માટે અગાઉથી તારીખ અને સમય નક્કી કરી શકશે.
ખાસ વાત એ છે કે નક્કી કરેલો સમય આવતાં જ WhatsApp આપમેળે મેસેજ મોકલી દેશે. આ માટે યુઝરે તે સમયે ઓનલાઈન રહેવાની કે ફોનમાં WhatsApp ખોલીને રાખવાની પણ જરૂર નહીં પડે.
Metaની માલિકીના WhatsAppએ 25 નવેમ્બરે પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર આ ફીચરનો સંકેત આપ્યો હતો. આ સુવિધા પર્સનલ ચેટની સાથે ગ્રુપ ચેટ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
એટલે કે કોઈને જન્મદિવસની શુભેચ્છા આપવી હોય કે કોઈ ખાસ સમયે જરૂરી માહિતી મોકલવી હોય, તો યુઝર્સ અગાઉથી મેસેજ તૈયાર કરીને તેનું શેડ્યૂલ નક્કી કરી શકશે.
https://x.com/WhatsApp/status/2125318935755333736?a=j0ByEfFDyRT16j4er4w&s=20
WhatsAppનું નવું ફીચર કેવી રીતે કામ કરશે?
WhatsApp પર મેસેજ શેડ્યૂલ કરવાની પ્રક્રિયા સરળ રાખવામાં આવી છે. તેના માટે સૌથી પહેલાં યુઝરે જે વ્યક્તિને મેસેજ મોકલવો હોય તેની પર્સનલ ચેટ અથવા ગ્રુપ ખોલવું પડશે.
ત્યારબાદ મેસેજ ટાઇપ કરો અથવા તેની સાથે ફોટો અને વીડિયો જોડો. હવે મોકલવાના બટનને થોડી વાર દબાવી રાખો. આમ કરતાં મેસેજ શેડ્યૂલ કરવાનો વિકલ્પ દેખાઈ શકે છે.
આ વિકલ્પમાં તમારી જરૂરિયાત મુજબ તારીખ અને સમય પસંદ કરો. રિપોર્ટ્સ અનુસાર, યુઝર્સ ઓછામાં ઓછા 10 મિનિટ અને વધુમાં વધુ બે અઠવાડિયા અગાઉથી મેસેજ શેડ્યૂલ કરી શકશે.
આ ફીચર દ્વારા માત્ર ટેક્સ્ટ જ નહીં, પરંતુ લિંક, ફોટા અને વીડિયો પણ મોકલવા માટે શેડ્યૂલ કરી શકાશે. જોકે, હાલના અહેવાલો મુજબ લોકેશન અને ડોક્યુમેન્ટ ફાઇલ શેડ્યૂલ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી.
શેડ્યૂલ કરેલો મેસેજ ડિલીટ કરવાની પણ મળશે સુવિધા
આ નવા ફીચરમાં યુઝર્સને અગાઉથી શેડ્યૂલ કરેલા મેસેજ જોવાની અને ડિલીટ કરવાની સુવિધા પણ મળશે. ચેટની માહિતી (Chat Info) વિભાગમાં પેન્ડિંગ મેસેજની અલગ યાદી જોવા મળશે.
જો કોઈ કારણસર તમારો પ્લાન બદલાઈ જાય, તો મેસેજ મોકલાય તે પહેલાં તેને ડિલીટ કરી શકશો. ખાસ વાત એ છે કે મેસેજ ડિલીટ કરવાથી સામેની વ્યક્તિને કોઈ નોટિફિકેશન નહીં મળે.
ગ્રુપ ચેટમાં આ ખાસ વાતનું ધ્યાન રાખજો
જો તમે કોઈ ગ્રુપમાં મેસેજ શેડ્યૂલ કરો છો, તો તે મેસેજ માત્ર એવા સભ્યોને જ મળશે, જેઓ મેસેજ શેડ્યૂલ કરતી વખતે ગ્રુપમાં જોડાયેલા હતા. ત્યારબાદ ગ્રુપમાં જોડાનારા નવા સભ્યોને અગાઉથી શેડ્યૂલ કરેલો મેસેજ મળશે નહીં.
તમામ WhatsApp યુઝર્સને હજુ નથી મળ્યું ફીચર
આ ફીચર હાલમાં તબક્કાવાર રીતે યુઝર્સ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. કેટલાક Android અને iPhone યુઝર્સને તેનો વિકલ્પ મળવાનું શરૂ થયું છે, પરંતુ તમામ એકાઉન્ટમાં આ સુવિધા ઉપલબ્ધ થઈ નથી. તેથી તમારા WhatsAppમાં આ વિકલ્પ ન દેખાય તો એપ અપડેટ રાખીને થોડો સમય રાહ જોવી પડી શકે છે. શેડ્યૂલ કરેલા મેસેજ પણ WhatsAppની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સુરક્ષા હેઠળ રહેશે.
