આજના ડિજિટલ યુગમાં અભ્યાસ, ઓફિસનું કામ, કન્ટેન્ટ રાઇટિંગ અને માહિતી મેળવવા માટે AI ચેટબોટ્સનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ, શું તમે ક્યારેય નોંધ્યું છે કે ChatGPT, Google Gemini અને Claude જેવા લોકપ્રિય AI ટૂલ્સને જ્યારે એક જ સરખો પ્રશ્ન પૂછવામાં આવે છે, ત્યારે ઘણીવાર તેમના જવાબોમાં મોટો તફાવત જોવા મળે છે? સવાલ સમાન હોવા છતાં જવાબો કેમ અલગ હોય છે? તેની પાછળ કોઈ AI નો મૂડ નથી, પરંતુ કેટલાક મહત્વપૂર્ણ ટેક્નિકલ કારણો જવાબદાર છે.

અલગ-અલગ કંપનીઓ દ્વારા વિકસાવાયેલું મોડેલ

સૌપ્રથમ, આ તમામ AI મોડેલ્સ અલગ-અલગ કંપનીઓ દ્વારા વિકસાવવામાં આવ્યા છે. દરેક મોડેલને ટ્રેન કરવા માટે અલગ ડેટા, અલગ પદ્ધતિઓ અને જુદી-જુદી તાલીમ પ્રક્રિયાઓ (Training Processes) નો ઉપયોગ થાય છે. ભાષાને સમજવા અને તેનો પ્રતિભાવ આપવા માટે મોડેલનું 'ફાઇન-ટ્યુનિંગ' અલગ પ્રકારે થયેલું હોય છે. આ કારણોસર, સમાન પ્રશ્ન વાંચ્યા પછી પણ જુદા-જુદા મોડેલ્સ તેના સંદર્ભ અને શબ્દોનું અર્થઘટન અલગ રીતે કરે છે. આ જ કારણ છે કે એક AI ટૂંકમાં જવાબ આપી શકે છે, જ્યારે બીજું તે જ વાતને વિગતવાર સમજાવી શકે છે.

કામ કરવાની પદ્ધતિ અલગ

બીજું મોટું કારણ AI ની કામ કરવાની પદ્ધતિ છે. AI ચેટબોટ્સ કોઈ મનુષ્યની જેમ ઇન્ટરનેટ પર તૈયાર જવાબ શોધીને સીધા રજૂ કરતા નથી. તેઓ તમારા પ્રશ્ન અને ઇનપુટના આધારે સૌથી યોગ્ય શબ્દોની પસંદગી કરે છે અને ક્રમશઃ આગળનો શબ્દ કે વાક્ય જાતે જનરેટ કરે છે. દરેક મોડેલનું આર્કિટેક્ચર અને પેરામીટર્સ અલગ હોવાથી તેમનું આઉટપુટ પણ અલગ આવે છે.

લેટેસ્ટ માહિતી ભજવે છે મોટો ભાગ 

આ ઉપરાંત, ઇન્ટરનેટ અને લેટેસ્ટ માહિતી પણ મોટો ભાગ ભજવે છે. જો પ્રશ્ન કોઈ તાજેતરની ઘટના, નવા સ્માર્ટફોન કે શેરબજાર સાથે જોડાયેલો હોય, તો ક્યારેક કેટલાક AI ટૂલ્સ વેબ પરથી રિયલ-ટાઇમ ડેટા મેળવે છે જ્યારે અન્ય પોતાના પ્રી-ટ્રેન્ડ નોલેજ પર આધાર રાખે છે. આ કારણે તથ્યો અને તારીખોમાં તફાવત આવી શકે છે.

છેલ્લે, AI ની આંતરિક સેટિંગ્સ જેમ કે રેન્ડમનેસ અથવા તાપમાન (Temperature) પણ જવાબને પ્રભાવિત કરે છે. આ જ કારણ છે કે એક જ AI ને બે વાર સમાન પ્રશ્ન પૂછવાથી પણ શબ્દોમાં થોડો તફાવત દેખાઈ શકે છે.

આ પણ વાંચોઃ Rahul Gandhi ના 'મત ચોરી'ના આક્ષેપોથી રાજકારણ ગરમાયું, ભાજપ, RSS અને ચૂંટણી પંચ સામે 'દેશદ્રોહ'નો આરોપ