આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ઝડપી પ્રગતિને લઈને આખી દુનિયામાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઓબામાના મતે, લોકો સામાન્ય રીતે ફિલ્મોની જેમ કિલર રોબોટ્સ અને મશીનોના વિનાશથી ડરે છે, પરંતુ વાસ્તવિક ખતરો AI નું સ્વ-શિક્ષણ (સેલ્ફ-લર્નિંગ) છે, જે મનુષ્યોના નિયંત્રણ બહાર જઈ શકે છે.
AI ની બદલાતી શૈલી અને સ્વ-શિક્ષણ
ઓબામાએ ખુલાસો કર્યો છે કે તાજેતરના સમય સુધી AI મોડેલ્સના શિક્ષણ અને વિકાસમાં માનવ ઇનપુટનો હિસ્સો આશરે 90 ટકા જેટલો હતો. પરંતુ માત્ર થોડા જ મહિનાઓમાં આ સંતુલન બદલાઈને 50-50 ટકા પર પહોંચી ગયું છે. એટલે કે, હવે AI માત્ર માનવીઓ દ્વારા આપવામાં આવેલા ડેટા પર આધારિત નથી, પરંતુ તે પોતાની મેળે પણ ઝડપથી શીખી રહ્યું છે. ઓબામા અંદાજ લગાવે છે કે ભવિષ્યમાં લગભગ 90 ટકા AI તાલીમ સ્વ-શિક્ષણ આધારિત થઈ જશે.
આ સ્વ-શિક્ષણને કારણે AI ના વિકાસની ગતિ અત્યંત ઝડપી થઈ જશે, જેને તેમણે 'હોકી-સ્ટીક ગ્રોથ' તરીકે વર્ણવી છે. આનો અર્થ એ છે કે શરૂઆતમાં વૃદ્ધિ ધીમી લાગે છે, પરંતુ ચોક્કસ બિંદુ પછી તેની ગતિ અચાનક વિસ્ફોટક બની જાય છે.
વાસ્તવિક જોખમ: ખોટી ગોઠવણી (Misalignment)
લોકોમાં એવી ગેરસમજ છે કે ભવિષ્યમાં રોબોટ્સ માનવજાતને નફરત કરીને નષ્ટ કરી દેશે. ઓબામાના જણાવ્યા મુજબ આ પ્રકારના જોખમની શક્યતા ઘણી ઓછી છે. અસલી ડર AI ની 'ખોટી ગોઠવણી' નો છે. એટલે કે, જો AI સિસ્ટમ પોતાની મેળે એવા લક્ષ્યો નક્કી કરી લે જે માનવીઓના હિતો કે ઈરાદાઓથી બિલકુલ અલગ હોય, તો તે ગંભીર પરિણામો સર્જી શકે છે. આ માટે AI ને સભાન હોવાની કે મનુષ્યો પ્રત્યે દ્વેષ રાખવાની જરૂર નથી, માત્ર તેના પોતાના નિર્ણયો અને લક્ષ્યો માનવતાથી વિપરીત હોવા જ પૂરતા છે.
વૈશ્વિક સ્તરે એઆઇ સૌથી મોટો પડકાર અને ખતરો
ઓબામાએ યાદ અપાવ્યું કે તેમના રાષ્ટ્રપતિ કાળ દરમિયાન 2015-16 માં જ AI ના સામાજિક અને નૈતિક પ્રભાવોને સમજવા કમિશન બનાવવામાં આવ્યું હતું. આજે જ્યારે AI પોતાની મેળે શીખી રહ્યું છે, ત્યારે તેને માનવ નિયંત્રણ અને યોગ્ય લક્ષ્યો સાથે જોડવું એ વૈશ્વિક સ્તરે સૌથી મોટો અને મહત્વપૂર્ણ પડકાર બની ગયો છે.
આ પણ વાંચોઃ Canada: ફ્લાઇટની તાલીમ દરમિયાન સર્જાઇ વિમાન દુર્ઘટના,બે ભારતીય વિદ્યાર્થીઓના મોત