કોલેજનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ સારી નોકરી મેળવવાનું સ્વપ્ન આજની યુવા પેઢી માટે વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઝડપી પ્રસારને કારણે ફ્રેશર્સની નોકરીઓ સામે મોટું જોખમ ઊભું થયું છે. ડેટા એન્ટ્રી, બેઝિક કોડિંગ, રિપોર્ટ રાઇટિંગ અને ગ્રાહક સેવા જેવી એન્ટ્રી-લેવલની નોકરીઓ પર AI ની સીધી અસર પડી રહી છે, કારણ કે કંપનીઓ હવે આવા કાર્યો માટે ઓટોમેટેડ ટૂલ્સનો ઉપયોગ કરી રહી છે.
AI ના કારણે યુવાનોને નથી મળી રહી જોબ
The Hechinger Report પ્રમાણે આ સમસ્યા માત્ર અમેરિકા પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભારતમાં પણ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટનો અભ્યાસ કરતા લાખો યુવાનો આ ભવિષ્યને લઈને ચિંતિત છે. અગાઉ જે પદોને કારકિર્દીની શરૂઆત ગણવામાં આવતી હતી, તે હવે AI ના કારણે ઘટવા લાગ્યા છે.
અન્ય ક્ષેત્રોમાં જોબ માટે વિપુલ તકો
જોકે, આ સિક્કાની બીજી બાજુ પણ એટલી જ હકારાત્મક છે. અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનું માનવું છે કે AI ભલે પરંપરાગત નોકરીઓ ઓછી કરી રહ્યું છે, પરંતુ તે હેલ્થકેર, સાયબર સુરક્ષા, ડેટા એનાલિટિક્સ અને AI મેનેજમેન્ટ જેવા નવા ક્ષેત્રોમાં વિપુલ પ્રમાણમાં નવી તકો પણ ઊભી કરી રહ્યું છે.
બદલાતા યુગ સાથે નવી સ્કીલ્સ શીખો
આ બદલાતા સમયમાં માત્ર ડિગ્રીના સહારે નોકરી મેળવવાનો યુગ હવે પૂરો થઈ રહ્યો છે. કંપનીઓ એવા યુવા વ્યાવસાયિકોની શોધમાં છે જેઓ AI ને સ્પર્ધક નહીં, પરંતુ સહાયક તરીકે ઉપયોગ કરવાનું જાણતા હોય. એન્જિનિયરિંગ અને MBA ના વિદ્યાર્થીઓએ હવે પ્રોમ્પ્ટિંગ, ડેટા વિશ્લેષણ, કોમ્યુનિકેશન સ્કિલ્સ અને ટેક્નોલોજીના વ્યવસાયિક ઉપયોગ જેવી આધુનિક કુશળતાઓ કેળવવી અનિવાર્ય બની ગઈ છે.
પ્રેક્ટિકલ અનુભવ જરૂરી
ભારતની વાત કરીએ તો, દર વર્ષે લાખો યુવાનો ગ્રેજ્યુએશન પૂરું કરે છે, પરંતુ ઘણી કોલેજો હજુ પણ જૂના અભ્યાસક્રમો પર જ નિર્ભર છે. ઉદ્યોગોની વર્તમાન માંગ અને શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસક્રમ વચ્ચે રહેલું આ અંતર એક મોટો પડકાર છે. નિષ્ણાતો સૂચવે છે કે વિદ્યાર્થીઓએ માત્ર પુસ્તકીય જ્ઞાન પર આધાર રાખવાને બદલે ઇન્ટર્નશિપ અને રિયલ-વર્લ્ડ પ્રોજેક્ટ્સ દ્વારા પ્રેક્ટિકલ અનુભવ મેળવવો જોઈએ.
આ પણ વાંચોઃ Afghanistan: અચાનક આવેલા પૂરે મચાવ્યો હાહાકાર, 20ના મોત, 100થી વધુ ગુમ