અફઘાનિસ્તાનના પૂર્વીય નુરિસ્તાન પ્રાંતમાં આવેલા અચાનક અને વિનાશક પૂરે ભારે તારાજી સર્જી છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 100થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળે છે. પૂરના પ્રચંડ પ્રવાહને કારણે અનેક રહેણાંક મકાનો, ખેતીની ઉપજાઉ જમીન તેમજ જાહેર સુવિધાઓ જમીનદોસ્ત થઈ ગઈ છે.
પૂરને કારણે અનેક જાનમાલને ભારે નુકસાન
મળતી માહિતી અનુસાર પારુન શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આ આપત્તિએ ભારે જાનમાલનું નુકસાન કર્યું છે. ગુમ થયેલા નાગરિકોની શોધખોળ માટે રાહત અને બચાવ ટીમો કામે લગાડવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને તાત્કાલિક અસરથી પૂરગ્રસ્ત અને જોખમી વિસ્તારોથી દૂર રહેવાની કડક ચેતવણી આપવામાં આવી છે.
https://twitter.com/dawnjournalist/status/2079102706526879809
અચાનક આવેલા ભારે વરસાદને કારણે આવ્યું પૂર
ભૌગોલિક અને આબોહવાકીય પરિસ્થિતિઓને કારણે અફઘાનિસ્તાન ભારે હવામાનની ઘટનાઓ માટે અત્યંત સંવેદનશીલ દેશ છે. અહીં ભારે વરસાદ અને અચાનક હિમવર્ષા અવારનવાર મોટી જાનહાનિનું કારણ બને છે. વર્ષ 2024 ની વસંતઋતુમાં આવેલા અચાનક પૂરના કારણે 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે આ વર્ષની શરૂઆતમાં પણ ભારે પૂર અને ભૂસ્ખલનને કારણે આશરે 110 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.
સરકારી પ્રવક્તાએ દુખ વ્યક્ત કર્યુ
દેશમાં દાયકાઓથી ચાલી રહેલા સંઘર્ષ, નબળી આર્થિક સ્થિતિ, પાયાની માળખાકીય સુવિધાઓનો અભાવ, વનનાબૂદી અને આબોહવા પરિવર્તનની વિપરીત અસરોને કારણે આવી આફતોનું કદ અને જોખમ વધુ વ્યાપક બને છે. ખાસ કરીને દૂરના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા કાદવ અને માટીના કાચા મકાનો પૂર કે ભારે હિમવર્ષા સામે ટકી શકતા નથી, જેના કારણે ગરીબ પરિવારો સૌથી વધુ પ્રભાવિત થાય છે. સરકારી પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે નુરિસ્તાનની આ દુર્ઘટના પર ગહન શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.
હજુ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
દરમિયાન, દેશના પરિવહન અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના હવામાન વિભાગે આગામી સમય માટે ગંભીર ચેતવણી જારી કરી છે. અફઘાનિસ્તાનના 34 માંથી 10 પ્રાંતોમાં ભારે વરસાદ, વાવાઝોડા, ધૂળની આંધી અને વધુ પૂર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે લોકોને નદી કિનારાઓ અને નીચાણવાળા જોખમી વિસ્તારોથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે.
આ પણ વાંચોઃ Iran પ્રવાસ માટે ભારતે જાહેર કરી એડવાઈઝરી, પ્રવાસ મુલતવી રાખવા અને દેશ છોડવા અપીલ