ઉત્તરાયણ પર્વ દરમિયાન રાજ્યમાં પતંગની દોરી જીવલેણ સાબિત થઈ રહી છે. અલગ–અલગ જિલ્લાઓમાં પતંગની દોરીથી ગળું કપાતા બે લોકોના કરુણ મોતના બનાવ સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં ચિંતા અને શોકની લાગણી ફેલાઈ છે.


 પીલુદરા ગામમાં પતંગની દોરીથી એક બાઈકચાલકનું મોત

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદરા ગામમાં પતંગની દોરીથી એક બાઈકચાલકનું મોત થયું છે. બાઈક લઈને જઈ રહેલા રાહુલભાઈ કનુભાઈ પરમાર નામના યુવાનના ગળામાં અચાનક પતંગની દોરી ફસાઈ ગઈ હતી, જેના કારણે ગળું કપાઈ જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનામાં રાહુલ પરમારનું મોત નિપજ્યું હતું.

તબીબોએ તેને મૃત જાહેર કર્યો

મૃતક પીલુદરા ગામના તીથોરા ખડકી વિસ્તારનો રહેવાસી હતો. ઘાયલ હાલતમાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

બાયડ તાલુકાના ચોઇલા ગામમાં પણ પતંગની દોરીએ એક સગીરનો જીવ લીધો

બીજી તરફ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઇલા ગામમાં પણ પતંગની દોરીએ એક સગીરનો જીવ લીધો છે. અહીં મોપેડ પર જઈ રહેલા સગીર યુવકના ગળામાં પતંગની દોરી ભરાઈ જતા ગળું કપાઈ ગયું હતું અને ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.

રાજ્યભરમાં શોકનો માહોલ

એક બાદ એક બનેલા આવા બનાવોને પગલે રાજ્યભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પતંગોત્સવ દરમિયાન ઘાતક ચાઇના દોરી અને અન્ય દોરીના ઉપયોગને લઈ ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. લોકો દ્વારા પ્રશાસનને દોરીના ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે.


આ પણ વાંચો----   Aravalli : પતંગની દોરી બની કાળ, બાયડના ચોઇલા ગામે ચાઇના દોરીએ સગીરનું ગળુ કાપી નાખતા મોત

  • Follow us on: