ભાવનગર, રાજકોટથી 25-30 ટન લીંબુની આવક થઈ રહી છે અને કોલ્ડ સ્ટોરેજમાંથી લીંબુનો જથ્થો બજારમાં ઠલવાશે, ઉનાળાનો સમય નજીક આવતાની સાથે જ લીંબુના ભાવમાં વધારો થયો છે અને બજારમં અત્યારે સૌથી વધારે લીંબુનો ભાવ છે, છૂટકમાં ભાવ વધ્યો છે અને વેપારીઓ 70 થી 100 રૂ. કિલો લીંબુ વેચી રહ્યાં છે.
આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા દક્ષિણી રાજ્યોમાંથી લીંબુની આવકમાં ઘટાડો થતા ભાવ વધ્યા
આ ભાવવધારા પાછળ મુખ્ય કારણ આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા દક્ષિણી રાજ્યોમાંથી લીંબુની આવકમાં થયેલો ઘટાડો છે. હાલમાં, અમદાવાદના બજારમાં ભાવનગર અને રાજકોટ જેવા ગુજરાતના વિસ્તારોમાંથી દરરોજ 25 થી 30 ટન જેટલો લીંબુનો જથ્થો આવી રહ્યો છે. જોકે, આ આવક આગામી એક અઠવાડિયામાં બંધ થવાની શક્યતા છે, જે ભાવોને વધુ ઊંચા લઈ જશે. જમાલપુર માર્કેટના લીંબુના વેપારીઓના જણાવ્યા મુજબ, 20 દિવસ પહેલા જથ્થાબંધ બજારમાં લીંબુનો ભાવ રૂ. 20 થી 25 પ્રતિ કિલો હતો, જે હવે વધીને રૂ. 35થી 45 પ્રતિ કિલો થયો છે. દિવસે ગરમીમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે લીંબુની માંગમાં વધારો થયો છે. જેના કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે.









